હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુરની એસ.એફ. હાઈસ્કુલમાં આજરોજ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. ૬ વર્ષથી લઈને કોઈ પણ ઉંમર સુધીના કલાકારોને મંચ આપતો રાજ્ય સરકારનો કાર્યક્રમ એટલે કલા મહાકુંભ. ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવુતિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, છોટાઉદેપુર આયોજિત તથા એસ.એફ. હાઈસ્કુલના સહયોગથી અલગ અલગ કલાને અભિવ્યક્ત કરવા માટેનો ઉત્સવ કલા મહાકુંભ-૨૦૨૪ની સ્પર્ધાઓને આજરોજ ખુલ્લી મુકવામાં આવી હતી.
ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી આપણી જુદી જુદી કલાઓને જીવંત રાખતા કસબીઓને રાજ્યકક્ષાનો મંચ પુરો પાડતો ઉત્સવ કલા મહાકુંભ. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે યોજાતા આ મહા કલાકુંભને સાંસદ ગીતાબેન રાઠવાએ ખુલ્લો મુકતા પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યુ હતું કે, આ સ્પર્ધાની ખાસીયત એ છે કે કોઈ પણ ઉંમરના નાગરિકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. વિદ્યાની સાથે ખેલ મહાકુંભ, કલા મહાકુંભનું આયોજન કરીને વિદ્યાર્થીઓમાં રહેલી કલાને બહાર લાવી પ્રોત્સાહન આપવામાં આવે છે. દરેક તાલુકામાંથી સ્પર્ધાના વિજેતા બનેલા સ્પર્ધકો વચ્ચે બે દિવસીય સ્પર્ધા યોજાશે. જિલ્લાના વિજેતા બનેલા સ્પર્ધકો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
સાંસદશ્રીએ વધુમાં કહ્યુ કે, આદિવાસી જિલ્લામાં પણ કલા અને સંસ્કૃતિ છુપાયેલી છે. પરેશભાઈ રાઠવા પોતાના પીઠોરા ચિત્રકલા થકી પદ્મશ્રી એવોર્ડ મેળવ્યો છે. ચલામલીના આઝાદ કોલેચા નામના વિદ્યાર્થીએ વાંસળી વાદન થકી પ્રસિદ્ધિ મેળવી છે. વનબંધુઓમાં કલા અને કૌશલ્ય સમાયેલા છે જેને લોકો સમક્ષ બહાર લાવવાની જરૂર છે.
આ સમારોહમાં તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મીલાબેન રાઠવા, જી.આર.ડી કમાન્ડર લીલાબેન રાઠવા, એઈઆઈ ક્રિશ્નાબેન પાંચાણી, એસએફ હાઈસ્કુલના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ, જિલ્લા યુવા વિકાસ અધિકારી દિપીકાબેન રાણા, પ્રાંત યુવા વિકાસ અધિકારી શૈલેશ ચૌધરી, તાલુકા પંચાયત સંયોજક સંગ્રામ રાઠવા, યુવા મોરચાના પ્રમુખ પ્રકાશ રાઠવા, શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીગણ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.