૧૮૧ અભયમ્ ટીમનું સરાહનિય કાર્ય, આત્મહત્યા કરવા જતી મહિલાને બચાવી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

વેરાવળની ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમે આત્મહત્યા કરવા જતી અજાણી મહિલાનું કાઉન્સેલિંગ કરી તેને બચાવી હતી અને પીડિત મહિલાના મનમાંથી આત્મહત્યા કરવાનો વિચાર દૂર કરી અને વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો હતો. વેરાવળની ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં રેલવે સ્ટેશનમાંથી એક જાગૃત નાગરિકનો ફોન આવ્યો હતો. આ ફોનમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, એક અજાણી મહિલા આત્મહત્યા કરવાનું કહે છે. જે કહે છે કે, તેને મરી જવું છે અને હવે જીવવું નથી. જેથી આ મહિલાને સમજાવીને વેઈટિંગ રૂમમાં બેસાડ્યાં છે. પરંતુ તેઓ કશું જ જણાવતા નથી. આથી વેરાવળ ૧૮૧ મહિલા અભયમની ટીમના કાઉન્સેલર મનિષા ધોળીયા, કોન્સ્ટેબલ વર્ષાબેન નંદાણીયા તેમજ ડ્રાઇવર રમેશભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતાં અને શી ટીમને પણ જાણ કરી હતી. ૧૮૧ મહિલા અભયમ ટીમ રેલવે સ્ટેશન પર પહોંચી હતી અને મહિલાને મળી હતી. જે પછી તેમને જાણવા મળ્યું કે, આ મહિલા સાંભળી શકે છે પરંતુ બોલી શકતાં નથી. આથી તેમણે લખીને જણાવ્યું હતું કે, “મને છેલ્લા દસ દિવસથી આત્મહત્યા કરવાના વિચાર આવે છે. મારા શરીરમાં હંમેશા દુઃખાવો રહે છે. જેથી હું કંટાળીને મરી જવા માંગુ છું.” આથી ૧૮૧ ટીમે કાઉન્સિલિંગ કરી સમજાવ્યાં હતાં કે, મનુષ્યના જીવનમાં સુખ દુઃખ આવતા રહે છે. કોઈપણ સમસ્યા માટે મરી જવું સમાધાન નથી. જિંદગી ખૂબસૂરત કિતાબ છે. તમારે જેવું લખવું હોય તેવું લખાય. અભયમ ટીમે મહિલાને હકારાત્મક વિચારવાનું કહી જિંદગીએ આપેલી તકને ફરી સારી રીતે જીવવું જોઈએ એવી વાત સમજાવી હતી. આ રીતે પીડિત મહિલાના મનમાંથી આત્મહત્યા કરવાનો વિચાર દૂર કર્યો હતો. મહિલાએ બીજું કશું જ જણાવ્યું નહોતું. વળી રાત્રિનો સમય હોવાના કારણે અને સગા-સંબંધીનો કોન્ટેક્ટ નંબર ન હોવાથી સંપર્ક થાય એમ નહોતો. જેથી એક મહિલાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment