હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાને ટી.બી.મુક્ત બનાવવા માટે જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અભિયાનરૂપે કાર્ય કરવામાં આવી રહ્યું છે. ટી.બીના દર્દીઓને જણાવવામાં આવ્યું છે કે, જો ટી.બી.ના લક્ષણો જણાય તો ગભરાશો નહીં અને તાત્કાલીક નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી, યોગ્ય સારવાર અને તેકદારી રાખવામાં આવે તો માત્ર ૬ જ મહિનામાં ટી.બી.ના રોગમાંથી મુક્તી મળી શકે છે. ગીર સોમનાથ જિલ્લા ક્ષય અધિકારી ડો.શીતલ રામે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા ટી.બી.ના દર્દીઓને યોગ્ય સારવાર સાથે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવે છે. જિલ્લાના ગામડાઓમાં સર્વે કરી ટી.બી.ના દર્દીઓને શોધી જરૂરી સારવાર સાથે તબીબી સહાય પણ આપવામાં આવે છે.
તે ઉપરાંત નિક્ષય મિત્ર કે જે દર્દીઓને રાશનકીટ આપી મદદ કરી શકે છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, ટી.બી. થવાના મુખ્યત્વે કારણો ગણીએ તો લાંબા ગાળાની બિમારી, ગીચ વસ્તી, ઓછી સ્વચ્છતા, કુપોષણ, દારૂ, પાન, બીડી સહિતનું વ્યસન, લાબા ગાળાની ઉધરસ, શ્વાસના રોગો સહિતના કારણે ટી.બી. થઇ શકે છે. પરંતુ તેનાથી ગભરાવવાની જરૂર નથી. જો દર્દી પોષણ યુક્ત આહાર લે, સ્વચ્છતા રાખે, વ્યસન મુક્ત બને, ધુળ કે રજકણ ઉડતી જગ્યાએ મોઢા પર માસ્ક/રૂમાલ લગાવી રાખવો, ઉધરસ આવે તો આડો રૂમાલ રાખવો, ગળફાનો યોગ્ય નિકાલ કરવો, ખુલ્લા બારી-બારણા વાળા ઘરમાં રહેવું, હવા-ઉજાસ અને સૂર્યપ્રકાશવાળી જગ્યાએ રહેવાથી ટી.બી. રોગથી મુક્તી મળી શકે છે.
તે ઉપરાંત ટી.બી.ના દર્દીઓને સરકારી હોસ્પિટલમાં તમામ વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે અને દર્દીને દર મહિને પોષણ યોજના અનુસાર ૬ મહિના સુધી રૂ.૩૦૦૦ની સહાય મળવાપાત્ર છે. ગીર સોમનાથ જિલ્લાને ટી.બી. મુક્ત બનાવવા માટે લોકોના સહકારની પણ જરૂરિયાત છે. કારણ કે, ટી.બી. થવાથી દર્દીની કાર્યક્ષમતા ઘટે છે અને નબળાઇ રહે છે. આથી આવા દર્દીઓને જો નિક્ષય મિત્રો દ્વારા દત્તક લઇ તેમને ૬ મહિના સુધી જરૂરી પોષણ માટેનું રાશન આપવામાં આવે તો ટી.બી.માંથી મુક્ત થઇ શકે છે. આથી જિલ્લાના ટી.બી.ના દર્દીઓના નિક્ષય મિત્ર બની મદદ કરવા અનુરોધ કર્યો છે.