હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં છે ત્યારે જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના પણ આશીર્વાદરૂપ બની છે. આ યોજના હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પાકા મકાન બનાવવા રૂ. ૧ લાખ ૨૦ હજારની સહાય આપી સરકાર આર્થિક રીતે મદદરૂપ બને છે. તાંતીવેલાના રહેવાસી ગાવડિયા ભગાભાઈ ગોગાભાઈ પણ આવા જ લાભાર્થી છે. જેમણે સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવ્યો છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે પોતાનો સુખદ પ્રતિભાવ આપતાં ભગાભાઈએ કહ્યું હતું કે, હું લીલોચારો વેચવાનું કામ કરૂ છું. એમાં ઘરનું ગાડું માંડ ગબડે છે. અમારા માટે પાકી છત વાળું મકાન બનાવવું એ તો સપનું જ હતું. જોકે પછી મને આવાસ યોજના વિશે જાણ થઈ અને વહીવટી તંત્રએ મદદ કરી જેથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન બાંધકામ માટે મને રૂ.૧ લાખ ૨૦ હજારની સહાય મળી છે. અમે પહેલા કાચા મકાનમાં રહેતા હતાં. જ્યાં દિવાલોમાંથી પોપડી ખરતી હતી અને આખા પરિવારને ખૂબ જ અગવડતા પડતી હતી પરંતુ હવે અમને પાક્કું મકાન મળ્યું છે. જેથી આશરાની ચિંતા ટળી છે. આમ જણાવી ભગાભાઈએ આ યોજનાની સહાય મળવા બદલ સરકારનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.