હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ ના ગીર સોમનાથ જિલ્લામાં યોજાનાર કાર્યક્રમ અંગે પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટર કચેરી ઇણાજ ખાતે ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગીર સોમનાથ જિલ્લામાં ચાર સ્થળોએ યોજાનાર કાર્યક્રમની તૈયારીઓ અન્વયે સમિક્ષા બેઠક યોજાઈ હતી.
આ કાર્યક્રમના સુનિયોજીત આયોજન અંગેની બેઠકમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા વ્યવસ્થિત આયોજન થાય તે અંગેની ચર્ચા વિચારણા કરી આયોજનમાં કોઈ કચાશ ના રહી જાય તેની ઝીણામાં ઝીણી બાબતોની તલસ્પર્શી સમીક્ષા કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ, તાલાલા, કોડિનાર અને વેરાવળ એમ ચાર સ્થળોએ યોજાનાર કાર્યક્રમના સુચારું આયોજન સંદર્ભે બેઠક વ્યવસ્થા, લાભાર્થીઓની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશન વગેરે વ્યવસ્થાઓ અંગે કલેક્ટરએ શીર્ષ અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.૧૦ ફેબ્રુઆરીના રોજ રાજ્યવ્યાપી યોજાનાર આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ સંબોધન કરવાના છે. બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ પણ કરવાના છે. જે અંતર્ગત રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં જે તે જિલ્લાના લોકો સહભાગી થશે.
આ કોન્ફરન્સ મિટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર આર.જી.આલ તેમજ જિલ્લા અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, મહેન્દ્રભાઈ પીઠિયા, દિલિપભાઈ બારડ સહિત તમામ તાલુકાઓના સંબંધિત વિભાગના કર્મચારીઓ જોડાયા હતાં.