હિન્દ ન્યુઝ, અમદાવાદ
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, ખાતે યુનિવર્સિટીના કુલપતિ ડો. આર. એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ગત તારીખ ૨૭ થી ૨૯ જાન્યુઆરી, ૨૦૨૪ દરમિયાન ગુજરાત રાજ્ય આંતર યુનિવર્સિટી સ્ટાફ ક્રિકેટ, બેડમિંટન, ટેબલ ટેનીસ, ચેસ અને વોલીબોલ રમત – ગમત મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાતની કુલ ૧૫ યુનિવર્સિટીઓના કુલ ૩૬૫ કર્મચારી ખેલાડીઓએ ભાગ લીધો હતો. સતત ત્રણ દિવસ રમાયેલ વિવિધ રમતોમાં વિજેતા ટીમોને યુનિવર્સિટી તરફથી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ભાગ લેનાર યુનિવર્સિટીના પ્રતિનિધીઓના પ્રતિભાવોમાં તેઓશ્રીએ જણાવ્યુ હતુ કે, આ આયોજન અત્યાર સુધીનુ સર્વ શ્રેષ્ઠ આયોજન છે. જે માટે યુનિવર્સિટીના કુલપતિ અને સમગ્ર ટીમને બિરદાવી તેમનો આભાર વ્યકત કર્યો હતો. યુનિવર્સિટી દ્વારા સદર સ્પર્ધાઓનું સૌ પ્રથમવાર યુનિવર્સિટીની યુટયુબ ચેનલના માધ્યમથી જિવંત પ્રસારણ કરી એક અલગ જ શરુઆત કરવામાં આવી હતી આ સમગ્ર સ્પર્ધાઓમાં ક્રિકેટ, વોલીબોલમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી પ્રથમ અને કામધેનુ યુનિવર્સિટી દ્રિતિય સ્થાને રહેલ તેમજ બેડમિન્ટન રમતમાં પણ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી પ્રથમ અને ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્રિતિય સ્થાન તેમજ ચેસમાં ગુજરાત યુનિવર્સિટી પ્રથમ અને સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટી દ્રિતિય સ્થાને તેમજ ટેબલ ટેનીસમાં પણ ગુજરાત યુનીવર્સિટી પ્રથમ અને કામધેનુ યુનિવર્સિટી દ્રિતિય સ્થાને રહેલ હતી. આમ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ત્રણ રમતમાં પ્રથમ અને એક રમતમાં દ્વિતિય સ્થાન પ્રપ્ત કરી ગૌરવ વધાર્યુ હતુ.આ પ્રસંગે શ્રી અમરજિત સિંઘ, ડેપ્યુટી કમાંન્ટ, બીએસએફ-૨૧ બટાલીયન તથા યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો. સી. એમ. મુરલીધરન, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એ. જી. પટેલ, કુલસચિવ, ડો. પી. ટી. પટેલ, નિયામક વિદ્યાર્થી કલ્યાણ ડો. કે. પી. ઠાકર, સ્ટાફ ક્લબના પ્રમુખ ડૉ. એસ. આર. વ્યાસ સહિત રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ સ્પર્ધાઓના સફળ આયોજન માટે યુનિવર્સિટીના કુલપતી અને તમામ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નિયામક વિદ્યાર્થી કલ્યાણ અને તેમની સમગ્ર ટીમ, સ્ટાફ ક્લબના પ્રમુખ, તમામ સમિતિઓના કન્વિનરઓ અને સભ્યઓ અને સ્વયમસેવક વિદ્યાર્થીઓએ ખુબ જ ભારે જહેમત ઉઠાવી સમગ્ર સ્પર્ધાઓનુ સુંદર આયોજન કર્યું હતું.