હિન્દ ન્યુઝ, જામનગર
આગામી તા.14 જાન્યુઆરીના રોજ સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણનું પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. રાજ્ય સરકારના માર્ગદર્શન તળે ઉત્તરાયણના પર્વ પર અબોલ જીવોની મદદ કરવા માટે કરુણા અભિયાન જેવા ઉમદા કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. જામનગર જિલ્લામાં અબોલ પશુ-પંખીઓની સલામતી તેમજ રાજ્યના તમામ નાગરિકોની સલામતી જળવાય રહે તે હેતુથી માર્ગદર્શક સૂચિ જાહેર કરવામાં આવી છે. જે મુજબ,
(1) પશુઓને ભારે માત્રામાં લીલોચારો, સૂકોચારો કે ઘુઘરી આપવાથી પશુઓની પાચનક્રિયામાં માઠી અસર પહોંચે છે. તેમજ પશુને આફરો ચડે છે.
(2) પશુઓને કુમળી લીલી જુવાર ખવડાવાથી પશુને ફૂડ પોઈઝનિંગ થાય છે. આ અસર અમુક કિસ્સાઓમાં જીવલેણ બની શકે છે.
(3) નાગરિકોએ પતંગ ચગાવવા માટે પ્લાસ્ટિકની દોરી, ચાઈનીઝ દોરી કે ભારે માત્રામાં કાચ પાયેલી દોરીનો ઉપયોગ ના કરવો જોઈએ.
(4) સવારે 09:00 કલાક પહેલા કે સાંજે 05:00 કલાક પછી પતંગ ના ચગાવવી જોઈએ.
(5) ઘાયલ પક્ષીઓને સમયસર નજીકમાં આવેલા રેસ્ક્યુ સેન્ટર પર પહોંચાડીએ.
(6) નાગરિકોને જો કોઈપણ સ્થળે ઘાયલ પશુ-પંખીઓ મળે, તો તુરંત જ એનિમલ હેલ્પ લાઈન નંબર- 1962 પર ફોન કરીને ઘાયલ પશુ-પંખીઓની તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ.
અત્રે જણાવેલા તમામ પગલાંઓની જામનગર જિલ્લાના તમામ નાગરિકોને ખાસ નોંધ લેવા માટે નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.