ઝૂંપડામાંથી મુક્તિ મળતાં ૬૫ વર્ષના વાલીબહેનના ચહેરા પર ઝળકી ખુશી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

 કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ગીર સોમનાથ જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ ગ્રામ્ય વિસ્તારમાં પરિભ્રમણ કરી રહ્યો છે ત્યારે આ સંકલ્પ યાત્રાનો રથ આંકોલવાડી મુકામે આવી પહોંચ્યો હતો. જ્યાં મહાનુભાવોના હસ્તે ગ્રામ્યજનોને વિવિધ યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતાં. આંકોલવાડી ખાતે યોજાયેલી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ૬૫ વર્ષના વાલીબહેન સોમાભાઈ મિયાત્રાને આવાસ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો.

આવાસ યોજનાનો લાભ મળવાની ખુશી વ્યક્ત કરતા વાલીબહેને પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, “અત્યાર સુધી તો અમે ઝૂંપડામાં રહ્યા. પછી કાચા મકાનમાં રહીને જેમ તેમ દિવસો પસાર કર્યા. હવે મને સહાય મળી જેથી મકાન બનાવવામાં મદદ મળી. ઝૂંપડામાંથી છૂટકારો મળ્યો. હવે આશરો મળી જતાં ઘણીબધી મુશ્કેલીઓ દૂર થઈ છે.” આમ કહી તેમણે આ યોજનાનો લાભ આપવા બદલ સરકારનો અઢળક આભાર માન્યો હતો.

નોંધનીય છે કે, જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાની આગેવાનીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ હાલ તાલાલા તાલુકામાં પરિભ્રમણ કરી રહ્યો છે. જેના માધ્યમથી ગ્રામજનોને સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓનો ઘરઆંગણે જ લાભ મળી રહ્યો છે.

Related posts

Leave a Comment