સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળ ખાતે સ્પેક્ટ્રા ૨૦૨૪ વાર્ષિકોઉત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    ગીર સોમનાથ જિલ્લાની એકમાત્ર સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળ ખાતે આચાર્ય ડો. સ્મિતાબેન બી. છગના માર્ગદર્શન હેઠળ સ્પેક્ટ્રા ૨૦૨૪ વાર્ષિક ઉત્સવની ખૂબ જ સુંદર આયોજન સાથે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પલ્લવીબહેન જાની તેમજ વેરાવળ અને આસપાસના વિસ્તારના વિવિધ શૈક્ષણિક સંકુલોના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સપ્તધારાની વિવિધ ધારાઓ અંતર્ગત વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. છેલ્લા એક સપ્તાહ દરમિયાન રમતગમતની વિવિધ સ્પર્ધાઓ ઉપરાંત ટેકફેસ્ટમાં વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓની અભિરુચિ વિકસે તે માટે જ્ઞાનસભર પોસ્ટર તેમજ વર્કિંગ મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફુડ ઝોન માં વિદ્યાર્થીઓ દ્વારા જાતે બનાવવામાં આવેલી ખાદ્ય સામગ્રીઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

સ્પેક્ટ્રા ફેસ્ટમાં રંગોળી સ્પર્ધા, રમતગમત, વકતૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા, મેમરી ગેમ, ટ્રેઝર હન્ટ તેમજ વન મિનિટ જેવી જ્ઞાનસભર રમતો, ફાઈન આર્ટસ , ક્રાફ્ટ જેવી ધારાઓ અંતર્ગત કૌશલ્ય વિકાસના હેતુથી મહેંદી સ્પર્ધા, નેઈલ આર્ટ તેમજ હેર સ્ટાઈલ, જ્ઞાનધારા અંતર્ગત શોર્ટ સ્ટોરી, કાવ્ય લેખન વગેરે જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વાર્ષિકોત્સવમાં ગીત સંગીત ધારા હેઠળ રાજસ્થાની તેમજ મહારાષ્ટ્રીયન નૃત્ય તેમજ રાસ ગરબા રજૂ કરવામાં આવ્યા હતા. મનમોહક રંગોળીઓ, કોલાજ મેકિંગ, ક્લે મોડેલિંગ, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ વગેરે જેવી કૃતિઓ જોઈને મહેમાનો ખૂબ પ્રભાવિત થયા હતા.

પ્રાણીશાસ્ત્ર વિષયના સ્ટોલમાં લાઈવ વર્કિંગ મોડેલ, સેલ્ફી પોઇન્ટ તેમજ સ્થળ પર બ્લડ ગ્રુપીંગ કરવાનું આકર્ષણ જમાવ્યું હતું એ જ રીતે રસાયણશાસ્ત્રના વિષયના સ્ટોલમાં હાલમાં નોબલ પારિતોષિક વિજેતાઓના સ્ટેચ્યુ તેમજ લાઈવ કેમિકલ શો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શૈક્ષણિક તેમજ રાજ્યકક્ષાએ વિવિધ શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં તથા વાર્ષિકોત્સવમાં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થી ભાઈ બહેનોને મહેમાનોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમમાં વેરાવળની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના ટ્રસ્ટીઓ, આચાર્યઓ તથા વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં મુલાકાત લઈ વિદ્યાર્થીનો જુસ્સો વધાર્યો હતો. કોલેજના સમગ્ર સ્ટાફ ડો. સી. એમ. ગોસાઇ, એમ એલ પરમાર, પી જે જાડેજા, જે બી ઝાલા, ડો. ડી કે પંડ્યા, ડો, એમ એમ ચૌહાણ, એસ એમ સીતાપરા, પી. એલ. મંગે, ડો. એસ જી ચોવટીયા, પ્રો કે એ બારડ, શોભનાબેન ડોડીયા વગેરે દ્વારા છેલ્લા દસ દિવસથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સતત જેહમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. પી. એલ. મંગે તથા ડો. સી એમ ગોસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment