હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીમાં આજે તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનો સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રીમતિ ભાનુબહેન બાબરિયાના અધ્યક્ષસ્થાને પ્રારંભ થયો હતો. અહીંની તાલુકા કન્યા શાળા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જેમને સંબોધતા મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયાએ જણાવ્યું હતું કે, “ખેડૂતોની ચિંતા કરતા વર્તમાન વડાપ્રધાન તથા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ, રાજ્યમાં ખેડૂતો ખેતીમાં વધુ ઉત્પાદન મેળવી શકે અને આર્થિક રીતે સક્ષમ બને તેવા શુભ આશય સાથે કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી. એક સમય એવો હતો કે, ખેડૂતોને બિયારણ તેમજ અન્ય બાબતોની તપાસ માટે લેબોરેટરીમાં જવું પડતું હતું. પરંતુ હવે ઉત્પાદન, જમીન સહિત કૃષિને લગતા વિવિધ પ્રશ્નોનું એક જ સ્થળ પર, વિવિધ સ્ટોલ પરથી નિરાકરણ થઈ જાય તેવું આયોજન અહીં કરાયું છે.” પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અપીલ કરતા મંત્રીએ કહ્યું હતું કે, “જો બધા ખેડૂતો પ્રાકૃતિક કૃષિનો સંકલ્પ લે તો આજે જોવા મળતા અનેક રોગ નાબૂદ થઈ જાય.” જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, “ગુજરાત સરકાર ખેડૂતોના હિત માટે સતત ચિંતિત છે. આઈ ખેડૂત પોર્ટલ પરથી ખેડૂતો વિવિધ યોજનાઓનો લાભ સહેલાઈથી લઈ શકે છે અને ખેડૂતોને લાભ આપવા માટે જિલ્લાનું તંત્ર પણ તત્પર હોય છે.”
આ કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિક ડૉ. કે. ડી. શાહે કપાસમાં થતી ગુલાબી ઇયળના નાશ-નાબૂદી, મગફળીમાં થતાં મુંડા સામે કેવી રીતે પાકનું રક્ષણ કરવું તેની વૈજ્ઞાનિક સમજણ સરળ ભાષામાં આપી. જ્યારે કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એસ.વી. કેલૈયાએ ખેતીમાં ખર્ચ ઘટાડવા અને ઓર્ગેનિક કાર્બન વધારવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાયક્રમના પ્રારંભે પ્રાંત અધિકારી ડો. સંદીપ વર્માએ સ્વાગત પ્રવચન કર્યું હતું. પાના નં. ૨ પર પાના નં. ૨ આ અવસરે વિવિધ વક્તવ્યોમાં ખેડૂતોને કૃષિલક્ષી અનેકવિધ યોજનાઓ તેમજ પ્રાકૃતિક ખેતીની શરૂઆતમાં જમીનના જતનથી લઈને, પાકને નુક્સાન કરતા પાસાઓ દૂર કરવાથી લઈને ઉત્પાદન વધારવા સુધીનું પદ્ધતિસર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું હતું. તેમજ ખેડૂતોને મંજૂરી હુકમોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ સાથે મહાનુભાવોના હસ્તે “મિલેટ્સની વાનગીઓ”ના પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. અહીં રાજ્યકક્ષાના કાર્યક્રમનું પણ લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી અંજનાબા જાડેજાના પ્રતિનિધિ ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઈન્ચાર્જ મામલતદાર ભટ્ટ, તાલુકા વિકાસ અધિકારી સુ.રિદ્ધિ પટેલ, ખેતી અધિકારી બી.એ. સતાસિયા, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો, અગ્રણી રાજુભાઈ સાવલિયા, વિનુભાઈ ઠુમ્મર, ચંદુભાઈ વઘાસિયા વગેરે હાજર રહ્યા હતા. બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત અહીં વિવિધ ૩૦ પ્રદર્શન સ્ટોલ યોજવામાં આવ્યા છે. જ્યાંથી ખેડૂતોને વિવિધ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવે છે.