ભાવનગર જિલ્લામાં તા. ૨૨ નવેમ્બર થી બે માસ સુધી ભ્રમણ કરશે વિકસિત ભારત સંકલ્પ યાત્રા

હિન્દ ન્યુઝ, ભાવનગર 

         સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે ભાવનગર જિલ્લામાં આગામી તા. ૨૨ થી બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ ફરવાની છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગર જિલ્લાને છ રથોની ફાળવણી કરવામાં આવી છે. આ રથના ગામોમાં આગમન સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ યોજાશે. 

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ સંચાલન માટે આયોજન હોલમાં મળેલી બેઠકમાં કલેક્ટર શ્રી આર. કે. મહેતા એ જણાવ્યું કે, આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવાના છે. યાત્રા દરમિયાન ભાવનગર જિલ્લામાં સો ટકા લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આવરીને આયોજન સાથે યોજનાની માહિતી લોકો સુધી પહોંચે એ માટે ગામડાઓમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે. 

વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે. 

જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા એ જણાવ્યું કે, ભાવનગર જિલ્લામાં આગામી તા. ૨૨ નવેમ્બરથી આ યાત્રાનો પ્રારંભ થશે. જે જિલ્લાના ગ્રામ પંચાયતોમાં પરિભ્રમણ કરશે અને રોજના બે ગામોમાં મુકામ કરશે. આ માટે જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ અમલીકરણ સમિતિની રચના કરવાની સાથે નોડેલ અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે. ગામડાઓમાં ગ્રામ સભા, આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારની યોજનાને સેચ્યુરેશન પોઇન્ટ સુધી લઇ જવા માટે પાત્રતા ધરાવતા એક પણ લાભાર્થી છૂટી ના જાય એ પ્રયત્નો કરવા તેમણે સૂચના આપી હતી. 

ગામેગામ આ યાત્રાનું સ્વાગત, લાભાર્થીઓની સાફલ્ય ગાથા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. 

આ બેઠકમાં પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ સહિતના અધિકારીઓ ઉપસ્થતિ રહ્યા હતા.

Related posts

Leave a Comment