તાલાલાની સાત વર્ષની ક્રિષ્નાનો ૩૦ સેકન્ડમાં ભગવાન શ્રી રામના પૂર્વજોના નામ બોલવાનો રેકોર્ડ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    ગત દિવસે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની જન્મજયંતીની ઉજવણી આપણે સૌએ રામનવમીના રૂપમાં ઉજવી હતી. ભગવાન શ્રી રામ હિંદુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે અને તેમના જીવનના આદર્શો પોતાના જીવનમાં ઉતારવા માટે લોકો પ્રયત્ન કરતાં હોય છે.

આવા સમયે ભગવાન શ્રી રામના જીવન-કવન વિશે જાણવાની પણ સૌને તાલાવેલી હોય તે સ્વાભાવિક છે. આ સાથે રામ અને તેમના વંશ વિશે જાણવાની પણ આપણને જિજ્ઞાસા હોય છે. 

આપણને વધુ-વધુમાં ભગવાન શ્રી રામ રઘુકૂળના છે, તેનાથી વિશેષ ખ્યાલ હોતો નથી. ભગવાન શ્રી રામના પિતા-પિતામહ અને પ્ર-પિતામહ સુધીની યાદી કડકડાટ બોલી જવી અને તે પણ માત્ર ૩૦ સેકન્ડમાં જ. તે મોટેરા તરીકે આપણા માટે પણ અઘરી વાત છે. 

તેવા સમયે, તાલાલાની માત્ર સાત વર્ષની ક્રિષ્ના ભગવાનભાઈ કરમટાએ પોતાની યાદશક્તિના જોરે માત્ર ૩૦ સેકન્ડમાં જ ભગવાન શ્રી રામના ૧૭ પૂર્વજોના નામ બોલીને નાની ઉંમરમાં મોટો રેકોર્ડ બનાવવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.

 જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ તાલાલાની આ નાની બાળકીને પોતાની ચેમ્બરમાં બોલાવીને ચોકલેટ આપવા સાથે નાની ઉંમરમાં મેળવેલી મોટી સિદ્ધિને બીરદાવી શુભકામનાઓ પાઠવી હતી. 

કલેક્ટર સમક્ષ આજે સવારે ક્રિષ્નાએ જરાપણ અટક્યા વગર સડસડાટ રામ ભગવાનના પૂર્વજોના નામ બોલી બતાવી પોતાની યાદશક્તિનો પરિચય કરાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ક્રિષ્નાએ થોડા સમય પહેલા દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ૩૦ સેકન્ડમાં ભગવાન શ્રી રામના ૧૭ પૂર્વજોના નામ બોલીને ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસ’માં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 

ક્રિષ્નાની આ ગૌરવ સિદ્ધિને બીરદાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા સંદેશ પાઠવી ક્રિષ્નાની આ સિદ્ધિ માટે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. 

મુખ્યમંત્રીએ પોતાના શુભેચ્છા સંદેશમાં ભગવાન શ્રી રામનું જીવન ચરિત્ર તમામ માટે આદર્શ છે. પ્રભુ શ્રી રામના જીવન-કવનની જાણકારી પ્રાપ્ત કરી નવી પેઢી જીવનમાં ભગવાન શ્રી રામના મૂલ્યો અને આદર્શોને ઉતારે આ સંસ્કૃતિથી આવનારી પેઢી અવગત થાય તે જરૂરી છે. તેની ઉપયુક્તતા જણાવી હતી.

Related posts

Leave a Comment