“પી.એમ. સ્વનિધિ” યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થયેલી કામગીરીની સમીક્ષા કરતા કેન્દ્રીયમંત્રી ડૉ. ભાગવત કરાડ

હિન્દ ન્યુઝ, રાજકોટ 

શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા વધુમાં વધુ લોન આપવા નાણા રાજ્ય મંત્રીની બેંકર્સને સૂચના :

ભારત સરકારશ્રી દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરાયેલી આ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થયેલી કામગીરીની તા.૨૯/૦૯/૨૦૨૩ના રોજ સાંજે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાનાર બેઠકમાં ભારત સરકારશ્રીના માનનીય નાણા મંત્રી (રાજ્ય કક્ષા) શ્રી ડૉ. ભાગવત કરાડ, કેન્દ્રિય નાણા મંત્રાલય દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર શ્રી નયનાબેન પેઢડીયા, સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શિશુ કલ્યાણ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, આરોગ્ય સમિતિ ચેરમેન પટેલ, કલેકટર પ્રભવ જોશી, નાયબ મ્યુનિ. કમિશ્નર ચેતન નંદાણી, સહાયક કમિશનર વી. એસ. પ્રજાપતિ, વિવિધ નગરપાલિકાઓના ચીફ ઓફિસર્સ સહિતના અધિકારીઓ, મહાનુભાવો, એસ.બી.આઈ.ના ઉપમહાપ્રબંધક આશુતોષ શર્મા, એસ.બી.આઈ.ના રીજીયોનલ મેનેજર નીરજ જોશી અને એસ. એમ. ઐયર, એલ.ડી.એમ. નરેન્દ્રસિંહ સોલંકી, વિવિધ બેંકોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં માનનીય કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડો. ભાગવત કરાડ દ્વારા, પી. એમ. સ્વનિધિ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ દ્વારા શેરી ફેરિયાઓને લોન અપાવવા માટે કરાવવામાં આવેલી અરજીઓ અને વિવિધ બેંકો દ્વારા થયેલી કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. સાથોસાથ માન. મંત્રી એ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શેરી ફેરિયાઓને આ લોનનો લાભ મળે તે માટે ફોન કોલિંગ, મોબાઈલ ફોનમાં ટેક્સ્ટ મેસેજીસ અને કેમ્પના જે આયોજન કરવામાં આવ્યા તથા તેના પરિણામો મળ્યા તેની પ્રશંસા પણ કરી હતી. સાથોસાથ શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા વધુમાં વધુ લોન આપવા માન. મંત્રીએ બેંકર્સને સૂચના પણ આપી હતી.

માનનીય કેન્દ્રિય નાણા રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કરાડે કહ્યું હતું કે, કોરોના કાળને પગલે સને ૨૦૨૦માં ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે અમલી બનાવાયેલી PMSVANidhi (PM Street Vendors Atma Nirbhar Nidhi) યોજનાનો હેતુ શેરી ફેરિયાઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. શહેરી શેરી ફેરિયાઓને આ યોજનાનો મહત્તમ લાભ મળે તેવો ઉદ્દેશ સરકારશ્રીનો છે અને આ યોજનાના અસરકાર અમલીકરણ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા સમયાંતરે કેમ્પ યોજવામાં આવે છે અને બેંકો દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવે છે. દેશભરમાં શહેરી ફેરીયાઓને આર્થિક રીતે સશકત બનાવવા તથા વ્યાજના વિષચક્રમાંથી બચાવવા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં રૂ. ૧૦ હજાર, જે ભરાઈ ગયા પછી રૂ. ૨૦ હજાર, અને આ બીજી લોન ચૂકવાઈ ગયા પછી રૂ. ૫૦ હજારની લોન અપાય છે. આ માટે સાત ટકા લોનનું વ્યાજ સરકાર ભોગવે છે.

કેન્દ્રીય નાણામંત્રી (રાજ્ય કક્ષા) ડો. ભાગવત કરાડે વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની અર્થવ્યવસ્થા વિશ્વમાં દશમાં નંબર ઉપરથી પાંચમા નંબર ઉપર આવી ગઇ છે. પરંતુ વડાપ્રધાન હજુ તેને ત્રીજા નંબર ઉપર લઈ જવા પ્રયત્નશીલ છે. ઇન્ટરનેશનલ મોનીટરીંગ કમિટીના અહેવાલ મુજબ ભારતના ૧૩ કરોડથી વધુ નાગરિકો ગરીબી રેખામાંથી બહાર નીકળી શક્યા છે, જે મુદ્રા યોજના જેવી અનેક મહત્વપૂર્ણ યોજનાના કારણે શક્ય બન્યું છે. આ માટે સરકાર વિવિધ રાજ્યના, વિવિધ શહેરોની ભારત સરકારની વિવિધ યોજનાઓની સમીક્ષા કરે છે. નાણા વિભાગ અને શહેરી વિકાસ વિભાગ દ્વારા અંત્યોદય એવા ફેરિયાની પી.એમ. સ્વનિધિ યોજનાની આજે સમીક્ષા થઈ રહી છે. ગરીબ માણસને સમૃદ્ધ બનાવવા માટેની આ યોજના પ્રધાનમંત્રી ની સૌથી પ્રિય યોજના છે. આ યોજનાનો લાભ મેળવનારાઓને “વન રાશન વન નેશન”, “પી.એમ. માતૃ વંદના”, “પી.એમ. જનની સુરક્ષા” યોજનાનો સહિતની યોજનાનો લાભ આપોઆપ મળે છે. આ યોજનાના પ્રારંભથી અત્યાર સુધીમાં કુલ ૩૬,૩૧૬ ફેરિયાઓની અરજીઓ આવી હતી. જેમાં બેન્કોએ મંજુર કરેલી અરજીઓ, ના મંજુર કરેલી અરજી તથા તેના કારણો, સહાય માટે ફેરિયાની મિટિંગ તથા માસ મેગા કેમ્પ, બેંકવાઇઝ લોનની વિગતો વગેરેથી મંત્રી ડો. ભાગવત કરાડ વાકેફ થયા હતા.

આ પૂર્વે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી આનંદ પટેલ દ્વારા પી.પી.ટી.ના માધ્યમથી પી.એમ. સ્વનિધિની વિગતોથી મંત્રીને અવગત કરાયા હતા. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શેરી ફેરિયાઓને ફોન કોલિંગ, ટેક્સ્ટ મેસેજીસ, તેમજ વખતોવખત યોજવામાં આવતા કેમ્પથી આ યોજનાથી વાકેફ કરવામાં આવે છે તેની વિસ્તૃત વિગતો રજુ કરી હતી. પ્રથમ તબક્કામાં રૂ.૧૦,૦૦૦/-ની ૧૮ હજાર જેટલી લોન, “સંકલ્પ સે સિધ્ધિ” અંતર્ગત બીજા તબક્કામાં પ્રથમ લોન પૂર્ણ થયેલ ૪૧૨૧ લાભાર્થીને રૂ.૨૦,૦૦૦/-ની લોન આપવામાં આવી ચુકી છે. પ્રથમ તબક્કાની લોન માટે હજુ પણ આઠેક હજાર જેટલી અરજીઓ બેન્કોમાં પ્રોસેસ હેઠળ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થયેલી કામગીરીને તેમજ કેન્દ્રીય નાણામંત્રી (રાજ્ય કક્ષા) ડો. ભાગવત કરાડે બીરદાવી હતી.

આ રીવ્યુ મીટિંગ પૂર્વે કેન્દ્રીય નાણામંત્રી (રાજ્ય કક્ષા) ડો. ભાગવત કરાડનું ફૂલહારથી સ્વાગત કરી મેયર, સાંસદ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સહિતના પદાધિકારીઓ અને કમિશનર, કલેકટર સહિતના મહાનુભાવો દ્વારા માન. મંત્રી ને રાષ્ટ્રપિતા પૂ. ગાંધી બાપુના ચરખાની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment