હિન્દ ન્યુઝ, જામનગર
માત્ર 5 રૂપિયામાં શ્રમિકો તથા તેના પરિવારોને પૌષ્ટિક ભોજન મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્યના શ્રમિકો માટે શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા વર્ષ 2017 થી શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી છે. દિવાળીના તહેવાર પહેલાં જામનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં 155 જેટલાં નવા ભોજન કેન્દ્રો શ્રમિકો માટે રાજ્ય સરકાર દ્વારા તા.10 નવેમ્બરથી શરૂ કરવામાં આવ્યા છે.
જામનગરમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ મેયબેન ગરસર અને જિલ્લા કલેકટર બી.એ.શાહના હસ્તે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લામાં વિવિધ 10 સ્થળો પર શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ થાળીમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળનો સમાવેશ થાય છે. છે. આ ઉપરાંત, સપ્તાહમાં એક વાર સુખડી આપવામાં આવે છે. એક વ્યક્તિને અંદાજીત 625 ગ્રામ અને 1525 કેલરી આ થાળીમાંથી મળી રહે છે. તેમજ શ્રમિકોને દર ગુરૂવારે ખીચડી અને કઢી આપવામાં આવે છે. તેમજ, વર્ષ 2022 થી લઈને વર્ષ 2023 સુધીમાં 50 લાખ જેટલી થાળીનું વિતરણ કરવામાં આવ્યું છે.
રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદ ખાતે યોજાયો હતો. મુખ્યમંત્રી એ વર્ચ્યુઅલ માધ્યમ થકી તમામ જિલ્લાઓમાં કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. આ યોજના હેઠળ વર્ષ 2023-24 માટે રૂ.50.40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે શ્રમિકોએ ઈ-પોર્ટલમાં નોંધણી કરાવવાની રહે છે. ત્યારબાદ તેમને ઈ-નિર્માણ કાર્ડ મળી શકે છે. આ યોજના હેઠળ દરરોજ 50,000 શ્રમિકોને લાભ મળી શકે તેવો અંદાજ છે.
કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની રૂપરેખા જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નાયબ નિયામક વાય.આઈ.પેંડાલે આપી હતી. ઉક્ત કાર્યક્રમમાં, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા, જામનગર મ્યુનિસિપલ કમિશનર મોદી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જાની, ગલાભાઈ ગરસર, જિલ્લા શ્રમયોગી કલ્યાણ બોર્ડમાંથી બાંધકામ નિરીક્ષક ગઢવીભાઈ, પ્રોજેકેટ મેનેજર અંકુરભાઈ રાજ્યગુરુ, નૃપેશભાઈ પરમાર, જિલ્લા શ્રમયોગી કલ્યાણ બોર્ડના કર્મચારીગણ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ અને શ્રમિકોના પરિવારજનો ઉપસ્થિત રહયા હતા.