હિન્દ ન્યુઝ, ભાવનગર
રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર વિજ્ઞાન વિષયોને પાંચ અલગ અલગ ગેલેરીઓના માધ્યમ થી પ્રસ્તુત કરી તથા ઇન્ટરેક્ટિવ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને આઉટરીચ કાર્યક્રમોના આયોજન દ્વારા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને વિજ્ઞાન સાથે જોડવા, શિક્ષિત કરવા અને મનોરંજન કરવાના હેતુ સાથે ખૂબ જ આગળ વધી રહ્યું છે.
આવા જ એક અનોખા હેતુ સાથે રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે 21-22 સપ્ટેમ્બરના ના રોજ ‘બાળવૈજ્ઞાનિક પ્રદર્શન’ એટલે ‘વિજ્ઞાન મેળા’ નુ આયોજન થવા જઈ રહ્યું છે જેમાં મુલાકાતીઓ તથા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી અને આ વિજ્ઞાન પ્રદર્શન જોવાનો લહાવો લઇ શકશે.
વિજ્ઞાન મેળો વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે ના રસને પ્રોત્સાહન આપે છે અને વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક અને તકનીકી સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરે છે. વિજ્ઞાન મેળો જોનાર માટે વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસાને ઉત્તેજિત કરે છે, પૂછપરછ કરવાનું મન વિકસાવે છે અને બાળકો અને પુખ્ત વયના લોકોને સકારાત્મક નવા અનુભવો માટે ઉજાગર કરે છે. તેઓ લોકોને ઝડપથી બદલાતા ટેકનોલોજીકલ વાતાવરણનો સામનો કરવામાં મદદ કરે છે અને તેમની જીવન કૌશલ્યમાં સુધારો કરીને તેમને સશક્ત બનાવે છે.
રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે જીસીઇઆરટી-ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભાવનગર તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, ભાવનગર પ્રેરિત બ્લોક રિસોર્સ સેન્ટર, ભાવનગર દ્વારા ભાવનગર તાલુકા કક્ષા અને શહેર કક્ષા એ 21-22 સપ્ટેમ્બર 2023 એમ બે દિવસીય “બાળવૈજ્ઞાનિક પ્રદર્શન” – ૨૦૨૩-૨૪ નુ આયોજન કરવામાં આવશે. જેનો મુખ્ય વિષય “સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” છે. આ મુખ્ય વિષય પરના વિદ્યાર્થીઓના વિવિધ પ્રદર્શનો રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ગોઠવવામાં આવશે. આ પ્રદર્શનને જોવાનો અને જાણવા લાભ મુલાકાતીઓ તથા વિદ્યાર્થીઓ લઈ શકશે.
આ માટેની વધુ માહિતી માટે 9586100600 – રાજદીપસિંહ ઝાલા નો સંપર્ક કરવો. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ . ગિરિશ ગૌસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવશે.