રાજ્ય સરકાર શ્રમિકોની સુખાકારી માટે કટિબદ્ધ
હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજ્યનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર એવા બાંધકામ શ્રમિક ભાઇ-બહેનોને વિવિધ યોજનાઓ થકી મદદરૂપ બની રહી છે. રાજ્યનાં શ્રમિકોને અનેક મદદરૂપ યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. જેથી રાજ્યનાં દરેક શ્રમિક વર્ગ પણ પાયાની અને જરૂરી તમામ સુવિધાઓ મેળવતા થયા છે.
મેડીકલ હેલ્થ યુનિટ (ધન્વન્તરી આરોગ્ય રથ) :
કડીયાનાકા, બાંધકામ સાઈટ અને શ્રમિક વસાહતો પર નિઃશુલ્ક પ્રાથમિક તબીબી સારવાર, લેબોરેટરી ટેસ્ટ અને દવાઓ આપવામાં આવે છે. હાલ સમગ્ર રાજ્યમાં ૧૫૪ રથ કાર્યરત છે.
પ્રસુતિ સહાય યોજના :
નોંધાયેલ બાંધકામ શ્રમિકની પત્નીને પ્રથમ બે પ્રસુતિ માટે રૂ.૬,૦૦૦/- ની આર્થિક સહાય તેમજ નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને પ્રથમ બે પ્રસુતિ માટે પ્રસુતિ થયા પહેલા રૂ।.૧૭,૫૦૦/- તથા પ્રસુતિ બાદ રૂા.૨૦,૦૦૦/- આમ કુલ રૂા. ૩૭,૫૦૦/- ની આર્થિક સહાય આપવામાં આવે છે.
મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના :
નોંધાયેલ બાંધકામ શ્રમિકને પ્રથમ બે પ્રસુતિ પૈકી એક દિકરીને રૂા.૨૫,૦૦૦/- નાં ૧૮ વર્ષની મુદત માટેનાં બોન્ડ આપવામાં આવે છે.
શિક્ષણ સહાય યોજનાઃ
નોંધાયેલા બાંધકામ શ્રમિકોના બે બાળકોને અભ્યાસક્રમો માટે શિક્ષણ સહાય આપવામાં આવે છે. જેમાં ધોરણ-૧ થી ૧૨ માટે રૂા. ૧,૮૦૦/- થી ૧૦,૦૦૦/- સુધી, બેચલર ડિગ્રી માટે રૂા. ૧૦,૦૦૦/- સુધી, માસ્ટર ડિગ્રી માટે રૂ।.૨૫,૦૦૦/- સુધી, મેડીકલ અભ્યાસ માટે રૂા. ૨ લાખ સુધી, ટેકનીકલ કોર્ષ માટે રૂા. ૫૦,૦૦૦/- સુધી લાભ આપવામાં આવે છે.
પી.એચ.ડી.ના અભ્યાસક્રમ માટેની યોજના :
નોંધાયેલા બાંધકામ શ્રમયોગી તથા તેના બાળકને પી.એચ.ડી.ના કોર્સ માટે માસિક રૂા. ૧૫,૦૦૦/- સ્ટાઈપેન્ડ અને વાર્ષિક રૂા. ૨૦,૦૦૦/- અન્ય આનુષંગિક ખર્ચ પેટે વધુમાં વધુ ૦૨ વર્ષ સુધી મળવાપાત્ર રહેશે.
આકસ્મિક મૃત્યુ સહાય યોજના :
નોંધાયેલ/વણ નોંધાયેલા બાંધકામ શ્રમિકનું બાંધકામ સાઈટ પર ચાલુ કામે અકસ્માતે અવસાન થાય અથવા કાયમી અશક્તાનાં કિસ્સામાં તેમના વારસદારને રૂા. ૩,૦૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. શ્રમિકનાં અવસાન થયાનાં છ માસની અંદર અરજી કરવાથી આ લાભ મળવાપાત્ર રહેશે.
અંત્યેષ્ઠિ સહાય યોજના :
ચાલુ નોંધણીનાં સમય દરમ્યાન નોંધાયેલ બાંધકામ શ્રમિક મૃત્યુ પામે તો રૂ।. ૧૦,૦૦૦/- ની સહાય મૃતકની અંતિમ ક્રિયા માટે આપવામાં આવે છે.
શ્રમિક અન્નપૂર્ણા યોજના :
નોંધાયેલ બાંધકામ શ્રમિક અને તેના પરિવારને માત્ર રૂા.૫/- પ્રતિ ભોજનમાં સાત્વિક અને પોષણ યુક્ત ભોજન આપવામાં આવે છે. જેમાં રાજ્યનાં ૩૦ જિલ્લામાં કુલ ૧૪૦ કડીયાનાકા ઉપર તબક્કાવાર ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું છે.
વ્યવસાયિક રોગોમાં સહાય યોજના :
નોંધાયેલા બાંધકામ શ્રમિકને ૧૫ પ્રકારનાં રોગો અને ૨૩ પ્રકારની ઈજાઓમાં મફત તબીબી સારવાર અને રૂા.૩ લાખની મર્યાદામાં માસિક રૂા. ૩૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે.
ગો-ગ્રીન શ્રમિક યોજના :
એક વર્ષથી નોંધાયેલા બાંધકામ શ્રમિકને બેટરી આધારિત ટુ- વ્હીલરની ખરીદી પર ખરીદ કિંમતના ૫૦% રકમ અથવા રૂા. ૩૦,૦૦૦/- પૈકી જે રકમ ઓછી હોય તેની મર્યાદામાં સબસીડી પુરી પાડવામાં આવે છે. વધુમાં આર.ટી.ઓ. ટેક્સ તેમજ રોડ ટેક્સની સહાય પણ આપવામાં આવે છે.
દિવ્યાંગ શ્રમિકો માટે ઈલેક્ટ્રીક ત્રિ-ચક્રી વાહન યોજના :
બાંધકામ દિવ્યાંગ શ્રમિકને ઈલેક્ટ્રીક ત્રિ-ચક્રી વાહન માટે ૫૦% અથવા રૂા. ૪૮,૦૦૦/- પૈકી જે ઓછી હોય તેની સહાય આપવામાં આવે છે. ઉપરાંત આર.ટી.ઓ. ટેક્સ તેમજ રોડ ટેક્સની સહાય પણ પુરી પાડવામાં આવે છે.
શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના :
શહેરી વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા/શહેરી વિકાસ સત્તા મંડળ તથા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા EWS/LIG/MIG મકાન ફાળવણી થયેથી રૂા. ૧,૬૦,૦૦૦/- ની સહાય મકાન ફાળવણી કરનાર સંસ્થાને આપવામાં આવે છે.
હાઉસિંગ સબસીડી યોજના :
નોંધાયેલ બાંધકામ શ્રમિકોએ મકાન ખરીદી માટે મહત્તમ રૂ।. ૧૫.૦૦ લાખ સુધીની લોન લીધેલ હોય તેઓને પાંચ વર્ષ સુધી વાર્ષિક રૂા. ૩૦,૦૦૦/- સુધી આમ કુલ રૂ।. ૧,૫૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે.
વિશિષ્ટ અભ્યાસના કોચિંગ માટે આર્થિક સહાય યોજના :
ગુજરાત રાજ્યની સરકારી યુનિવર્સીટીમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા જેમ કે UPSC/GPSC/GSSSB/ICAI સંસ્થા વગેરેનું કોચિંગ કરશે તો તેમને નિયત કરેલ રજીસ્ટ્રેશન ફી ની રકમ અને ટ્યુશન ફી/કોચિંગ બાંધકામ શ્રમિકોને રીએમ્બર્સ કરવામાં આવશે.
PMJJBY યોજના :
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અંતર્ગત રૂા. ૨ લાખના જીવન વીમા કવચ માટે ૧૮ થી ૫૦ વર્ષના નોંધાયેલા બાંધકામ શ્રમિકોને વાર્ષિક રૂા. ૩૩૦/- ના પ્રીમીયમની રકમ રીએમ્બર્સ કરવામાં આવશે.
સ્થળાંતરિત થતા બાંધકામ શ્રમિકોના બાળકો માટેની હોસ્ટેલ :
ટ્રાયબલ જીલ્લામાં સ્થળાંતરિત થતા બાંધકામ શ્રમયોગીનાં બાળકોને જીલ્લાઓ દ્વારા વતનમાં જ શિક્ષણ સુવિધા મળી શકે તે માટે જે-તે શાળામાં જ જરૂરી વ્યવસ્થા કરીને બાળકો અભ્યાસ કરી શકે તે માટે હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ કરાવાશે.
સંપૂર્ણ તબીબી તપાસ યોજના :
સંપૂર્ણ તબીબી તપાસ યોજનામાં બાંધકામ શ્રમિકને વિવિધ પ્રકારના ટેસ્ટ અને ટેસ્ટ દરમ્યાન કોઈ બીમાર જણાશે તો તેનું નિદાન કરી તેની સારવાર માટે જણાવવામાં આવશે. જેમાં પ્રતિ લાભાર્થી રૂા. ૩૦૦૦/- ની મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે.
રાજ્યનાં શ્રમિકો આવી તમામ યોજનાઓનો લાભ sanman.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન જઈને લઈ શકે છે.