હિન્દ ન્યુઝ, રાજકોટ
ગુજરાત સરકારશ્રી દ્વારા કુપોષણ બાળકમાંથી “સુપોષણ યુક્ત બાળક”ની સિદ્ધિઓ હાંસલ કરવા વિવિધ યોજનાઓ અને લાભો આંગણવાડીના માધ્યમથી પહોંચાડવામાં આવે છે. વર્ષનો સપ્ટેમ્બર માસ એટલે પોષણ માસ. પોષણ માસ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં ૩ની કુલ ૩૧ આંગણવાડી કેન્દ્રો ખાતે ઓમ નમ: સેવા ફાઉન્ડેશન અને આઈ.સી.ડી.એસ.વિભાગના સયુંકત ઉપક્રમે તા. ૦૩-૦૯-૨૦૨૩ના રોજ આરોગ્ય કેમ્પ યોજવામાં આવેલ.
વોર્ડ નં ૩ના કુલ ૩૧ આંગણવાડી કેન્દ્રોના ૬૨ અતિ કુપોષિત બાળકો અને ૪૦૦થી વધુ સામાન્ય વજન અને મધ્ય કુપોષિત વજન ધરાવતા બાળકોના પોષણ સ્તરની ચકાસણી કરવામાં આવેલ હતી. આ સમગ્ર તપાસ આરોગ્ય વિભાગની RBSK ટીમ દ્વારા કરવામાં આવેલ હતી. બાળકોની આરોગ્ય ચકાસણી કર્યા બાદ ઓમ નમ: સેવા ફાઉન્ડેશન દ્વારા બાળકોને પ્રોટીન પાઉડર અને પોષણ આહાર આપવામાં આવેલ હતો તેમજ પ્રોટિન ડ્રિન્ક ફ્રુટ આપવામાં આવેલ હતુ. બાળકોના પોષણસ્તર અંગે જાગૃત અને સતત માર્ગદર્શન આપનાર ધારાસભ્ય ડૉ. દર્શીતાબેન શાહના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે. વોર્ડ નં. ૩ના તમામ કોર્પોરેટર શ્રીમતી કુસુમબેન સુનીલભાઈ ટેકવાની, નરેન્દ્રસિંહ જાડેજા, બાબુભાઇ ઉધરેજા, અલ્પાબેન દવે, શિક્ષણ સમિતિના સભ્ય હિતેશ્ભાઈ રાવલ વોર્ડ મહામંત્રી અભયભાઇ નાંઢા, હેમતભાઇ અમ્રુતિયા મહિલા મોરચાના ઉપપ્રમુખ દક્ષાબેન વાઘેલા ઉપસ્થિત રહેલ હતા.
આ કાર્યક્રમ માટે આઈ.સી.ડી.એસ. વિભાગના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફીસર તૃપ્તીબેન કામલીયા અને સી.ડી.પી.ઓ. જયશ્રીબેન સાકરીયા એન.એન.એમ. સ્ટાફ તથા આંગણવાડીના કાર્યકર બહેનો દ્વારા જહેમત ઉઠાવેલ.