હિન્દ ન્યુઝ, સોમનાથ
શ્રાવણ માસની શુક્લ એકાદશી પર શ્રી સોમનાથ મહાદેવને વિશેષ ચંદન દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. શૃંગારમાં સોમનાથ મહાદેવને શીતળ ચંદનનો લેપ લાગવવામાં આવ્યો હતો. આ શ્રૃંગારની વિશેષતા એ હતી કે તેમાં શ્રીકૃષ્ણની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી.
પવિત્ર શ્રાવણ માસમાં શ્રી સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના દર્શન કરવા માટે દેશભરમાંથી ભક્તો લાખોની સંખ્યામાં સોમનાથ આવી રહ્યા છે. ત્યારે સોમનાથ મહાદેવના પ્રતિદિન થતા વિશેષ સાયામ શ્રૃંગાર ના દર્શન ભક્તો માટે અનેરું આસ્થા કેન્દ્ર હોય છે. શ્રાવણ શુક્લ એકાદશી ના પર્વે સોમનાથ મહાદેવને સુગંધિત શીતળ ચંદનનો લેપ લગાવવામાં આવ્યો હતો.
સનાતન સંસ્કૃતિમાં ચંદન ને શાંતિનું કારક કહેવામાં આવ્યું છે. ચંદન લગાવવાથી ગ્રહોની પીડા દૂર થાય છે. સમગ્ર વિશ્વની શાંતિની પ્રાર્થના સાથે મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવ્યો હતો જેમાં જગતગુરુ શ્રીકૃષ્ણની પ્રતિકૃતિ તેઓની પ્રિય બાસુરી અને ધાર્મિક પવિત્રતા ધરાવતા શંખની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી.