મહિસાગરથી શુભારંભ કરાવતા શિક્ષણ મંત્રી

હિન્દ ન્યુઝ, મહિસાગર 

રાજ્યના આદિવાસી વિસ્તારોમાં વસવાટ કરતા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુથી રાજ્યના શિક્ષણ વિભાગની કચેરીઓ, વિભા-યુ.એસ.એ તથા શિક્ષણા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આદિવાસી જિલ્લાઓની ૧૯૯ શાળાઓમાં “સમ્યક પ્રેરણા કાર્યક્રમ”નો શુભારંભ કરવામાં આવ્યો હતો. મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના દિવડા કૉલોની ખાતેની એકલવ્ય નિવાસી શાળામાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીંડોર દ્વારા શુભારંભ કરાયો હતો. જેમાં મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાની, દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની અને વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાની કુલ ૧૯૯ શાળાઓનો સમાવેશ થાય છે.

કાર્યક્રમનો શુભારંભ કરાવતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતુ કે, આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરી તેમને અન્ય વર્ગના વિદ્યાર્થીઓના સમકક્ષ બનાવવા માટે રાજ્ય સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. જે અંતર્ગત “સમ્યક પ્રેરણા કાર્યક્રમ” શરૂ કરવામાં આવ્યો છે. જેનો મુખ્ય હેતુ રાજ્યના આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓમાં ગણિત અને વિજ્ઞાન વિષય શીખવામાં વધુ જિજ્ઞાશા લાવવાનો છે. જેના થકી તેમનો સર્વાંગી વિકાસ થશે અને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવશે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે વિભા-યુ.એસ.એ, શિક્ષણા ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલ જુદા-જુદા ૩૯ પ્રકારના પુસ્તકો, પોસ્ટર, માહિતી પત્રિકા, પ્રવૃત્તિ નિદર્શન ચાર્ટ અને અભ્યાસ પુરસ્કાર પત્રનું ૧૯૯ શાળાઓમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. જેને ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ દ્વારા તેમના સ્વ-ભંડોળમાંથી છપાવીને અભ્યાસ માટે વિતરણ કરાયા છે. રાજ્ય સરકારના આ ઉમદા પ્રયાસ દ્વારા આદિવાસી વિસ્તારના બાળકોને સરળ/રસાળશૈલીનું સાહિત્ય આપવામાં આવ્યું છે. જેના માધ્યમથી તેઓ સામાન્ય વિસ્તારના બાળકોના સમકક્ષ તકો મેળવી શકશે.

રિપોર્ટર : દિનેશ ચમાર, મહિસાગર 

Related posts

Leave a Comment