અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૧ મુ અંગદાન

‘હિન્દ ન્યુઝ, અમદાવાદ

          અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૧મુ અંગદાન થયું છે. અમદાવાદના વર્ષાબેન પરમાર બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગદાનનો સેવાકીય નિર્ણય કર્યો અને જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યુ. મહત્વની બાબત એ છે કે, વર્ષાબેનના પરિવારને અવાર-નવાર મીડિયામાં આવતા અંગદાનના સમાચારથી તેની અગત્યતા વિશે અગાઉ થી જ સમજ હતી. વધુમાં તેમના ભાઇના મિત્રનું ગયા વર્ષે જ લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું હતુ જે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી જ મળેલા અંગદાનની મદદથી કરવામાં આવ્યું હતુ. એટલે જ્યારે તેઓ વર્ષાબેનને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇને આવ્યા અને હાલત અતિગંભીર જણાઇ ત્યારે જ તેમણે મનમા અંગદાન કરવાનો દ્રઢ નિશ્ચય કરી લીધો હતો.

          સમગ્ર વિગતો એવી છે કે, અમદાવાદના સોલા ગામમાં રહેતા ૩૭ વર્ષના વર્ષાબેન પરમારને બ્રેઇન હેમરેજ થતા સધન સારવાર અર્થે ૨૫ મે ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તબીબોના અથાગ પ્રયત્નો છતા પણ ૨૪ કલાકની સધન સારવારના અર્થે તેઓને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. અગાઉ સમાચાર પત્રો અને વિવિધ મીડિયાના માધ્યમથી અંગદાનની સમજ ધરાવતા વર્ષાબેનના પરિવારજનો ખાસ કરીને તેમના માતૃશ્રી અને ભાઇએ અંગદાન અને ચક્ષુદાનની સંમતિ આપી. જેના પરિણામે રીટ્રાઇવલના અંગે વર્ષાબેનની બે કિડની અને બે ચક્ષુઓનું દાન મેળવવામાં સફળતા મળી છે. સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, અંગદાનની જાગૃતિ આજે સમાજમાં મહદઅંશે પ્રવર્તી છે તેનું આ જીવંત ઉદાહરણ છે. વર્ષાબેનના પરિવારજનોએ ગણતરીની મીનિટોમાં અંગદાનની આપેલી સમજૂતી દર્શાવે છે કે આજે જન જનમાં આ સેવાકીય કાર્યની મ્હેક પહોંચી છે.

Related posts

Leave a Comment