નાબાર્ડના સહયોગથી કૌશલ્ય અને ઉદ્યમિતા વિકાસ સંસ્થા (સેડી) કોડીનાર ખાતે ત્રણ કોર્ષની નવી બેચનો શુભારંભ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

                 ગુજરાત સરકાર મારફતે સ્કિલ દ્વારા યુવા પગભર બને એ દિશામાં સકારાત્મક કામગીરી થઈ રહી છે. નાબાર્ડ બેંકના સહયોગથી અંબુજા સીમેન્ટ કોડીનાર સ્થિત રોજગારલક્ષી કૌશલ્ય તાલીમ કેન્દ્ર, કૌશલ્ય અને ઉદ્યમિતા વિકાસ સંસ્થા (સેડી) ખાતે વિદ્યાર્થીઓને ટેક્નીકલ કૌશલ્યથી સજ્જ કરતા બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (બીપીઓ), આસિસ્ટન્ટ નર્સિંગ કોર્ષ, જીડીએ તેમજ ગૃહિણીઓ માટે વર્ક ફ્રોમ હોમ એમ ત્રણ કોર્ષની નવી બેચની શરૂઆત થઈ હતી તેમજ તાલીમાર્થીઓની સફળતાની વાત કહેતી બુકલેટ એક કદમ કામયાબી કી ઔરનું પણ લોન્ચિંગ થયું હતું.

આ તકે નાબાર્ડના ડીડીએમ કિરણ રાઉતે ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપતા કહ્યું હતું કે,આ તમામ કોર્ષ એવા છે કે તમારૂ ભણતર ઓછું હશે તો પણ તમે આગળ વધી શકશો કારણકે હવે એકવીસમી સદીમાં ટેક્નિકલ કૌશલ્ય અને તાલિમ જ મહત્વના છે. તમારી આવડત અનુસાર કોર્ષ પસંદ કરીને તમે પગભર થઈ શકો છો અને કુટુંબને પણ મદદરૂપ બની શકો છો.

જ્યારે આરસેટી ડિરેક્ટર પી.એલ.ગોહેલે જણાવ્યું હતું કે, આવા કૌશલ્યવર્ધક કોર્ષના કારણે સ્કિલ તો ખીલે જ છે ઉપરાંત વિદ્યાર્થીમાં કોમ્યુનિકેશન સ્કિલ નીખરે છે અને કોન્ફિડન્સ પણ વધે છે આમ કહી પ્રત્યેક તાલીમાર્થી પગભર થઈ અને સમાજમાં અનોખું સ્થાન મેળવે એવી શુભકામનાઓ પાઠવી હતી.

આ કોર્ષ અંતર્ગત બીપીઓમાં ટ્રેનિંગ લઈ ચૂકેલી લામધારની તાલિમાર્થી વનિતાબહેને દિલ્હી નોકરી કરવા જવાનો પોતાનો સ્વાનુભવ જણાવ્યો હતો. સંઘર્ષથી સફળતાની કેડી કંડારતો અનુભવ ઉપસ્થિત તમામ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જલ્પા ભેટારિયાએ કર્યુ હતું.

આ તકે વાઈસ પ્રેસિડન્ટ ઓફ સ્કિલ ટ્રેનિંગ (અંબુજા ફાઉન્ડેશન) રવિ નાય્સે, ડીજીએમ દલસુખ વઘાસિયા, અંબુજાનગર શેડીના આચાર્ય પંકજ ચોપરા, તાલીમાર્થીઓ અને તેમના વાલીઓ સહિત સ્થાનિક ગ્રામજનોની પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિતિ રહી હતી.

Related posts

Leave a Comment