રાજા રામમોહન રોયની 251મી જયંતી નિમિત્તે રાજા રામમોહન રોય લાઇબ્રેરી ફાઉન્ડેશન, કોલકત્તા અને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં એચ.કે. આર્ટ્સ કૉલેજ ખાતે કરાયું આયોજન

હિન્દ ન્યુઝ, અમદાવાદ

આજે યુગપુરુષ રાજા રામમોહન રોયની 251મી જયંતી નિમિત્તે અમદાવાદના ચીનુભાઈ સભાગૃહ, એચ.કે. આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ખાતે નૃત્ય નાટિકાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મૂળુભાઈ બેરાની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી હતી. આ નૃત્ય નાટિકા રાજા રામમોહન રોયના જીવન અને તેમનાં કાર્યો વિષયક યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, નવી દિલ્હી હસ્તકના રાજા રામમોહન રોય લાઇબ્રેરી ફાઉન્ડેશન, કોલકત્તા અને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું. આ પ્રસંગે મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, શિક્ષણના પ્રખર હિમાયતી એવા રાજા રામમોહન રોયને આજના દિવસે વંદન કરું છું. પહેલાના સમયમાં સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવાનો શ્રેય રાજા રામમોહન રોયને જાય છે. તેઓ હંમેશાં બાળવિવાહ, સતીપ્રથા જેવી બદીઓને દૂર કરવા માટે પ્રયત્નશીલ રહેતાં.

વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, રાજા રામમોહનરોય ફાઉન્ડેશનને શક્ય તેટલો સંપૂર્ણ સહયોગ આપવાની રાજ્ય સરકાર વતી ખાતરી આપું છું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘વાંચે ગુજરાત’ અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, આ વર્ષે રાજ્ય સરકારે બજેટમાં ₹ 78 કરોડ સાર્વજનિક ગ્રંથાલયની પ્રવૃત્તિઓને વધુ વિકાસ મળી રહે તે માટે ફાળવ્યા છે. આ પ્રસંગે સાંસદ સભ્ય ડો. કિરીટ સોલંકીએ કહ્યું હતું કે, બ્રિટિશ સામ્રાજ્યમાં ઘણા બધા કુરિવાજો સામે લડીને બંધ કરાવ્યા હોય તો તે યુગપુરુષ રાજા રામમોહન રોય. અને સતીપ્રથા જેવી બદીઓને સમાજમાંથી દૂર કરવાનો શ્રેય પણ તેમને જ જાય છે. તેમણે કહ્યું હતું કે, આ કાર્યક્રમમાં મને સહભાગી કરવા બદલ રાજા રામમોહન રોય ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરું છું. રાજા રામમોહન રોય ફાઉન્ડેશન, કોલકત્તાના ડાયરેક્ટર જનરલ એ.પી સિંઘએ સ્વાગત પ્રવચન આપતા ફાઉન્ડેશનની કાર્યપ્રણાલી અને ફાઉન્ડેશન દ્વારા થતાં કાર્યો વિશે માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ, ગ્રંથાલય બોર્ડના ગોસ્વામી, પિનાકીન મેઘાણી, અભેસિંહ રાઠોડ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment