વલ્લભીપુર તાલુકાના દરેડ ખાતે અમૃત સરોવરની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા

હિન્દ ન્યુઝ, ભાવનગર

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી અને ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ વલ્લભીપુર તાલુકાના દરેડ ખાતે અમૃત સરોવરની મુલાકાત લીધી હતી. આ વેળાએ ગ્રામજનોએ મંત્રીનું ભાવ ભર્યુ સ્વાગત કર્યું હતું. મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ દરેડ ખાતે નિર્માણ પામેલા અમૃત સરોવરને નિહાળ્યું હતું, સાથોસાથ દરેડના ગ્રામજનો સાથે સંવેદનાસભર સંવાદ સાધીને તેમની રજૂઆતોનું સત્વરે નિરાકરણ લાવવા ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે જિલ્લા પંચાયતના સદસ્ય અશોકભાઈ, પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા તાલુકાના અન્ય હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમૃત સરોવર અંગે પ્રભારી સચિવ દ્વારા વિવિધ જાણકારી મેળવી હતી જેમાં 10.27 લાખના ખર્ચે 901 વ્યક્તિઓને 5619 માનવદીનની રોજગારી પુરી પાડવામાં આવેલ હતી. અમૃત સરોવર ને વધુ સુશોભિત કરવા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, તાલુકા મામલતદાર, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, કર્મચારીગણ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આઝાદીના અમૃત મહોત્સવ”ની ઉજવણીના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા આહ્વાનના પ્રતિસાદરૂપે દેશનાં  તમામ જિલ્લાઓમાં ૭૫ અમૃત સરોવરનું નવનિર્માણ-નવિનીકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અન્વયે અમૃત સરોવરો આસપાસ વૃક્ષારોપણ, રાષ્ટ્રીય પર્વની ઉજવણી અન્વયે ધ્વજવંદન કાર્યક્રમ માટે ધ્વજસ્તંભ નિર્માણ, બેઠક વ્યવસ્થા, ફાઉન્ડેશન સ્ટોન, રસ્તા નિર્માણ અને અન્ય સુશોભન દ્વારા ગામમાં નાવીન્યપૂર્ણ મિલકતનું નિર્માણ થઈ રહ્યું છે. અમૃત સરોવરમાં પાણીનો સંગ્રહ થતા ખેડૂતોને સિંચાઈમાં પણ ફાયદો મળી રહ્યો છે, તેમજ આવક વધારાના નિર્ધારમાં અમૃત સરોવરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

Related posts

Leave a Comment