73માં પ્રાણપ્રતિષ્ઠા દિન પર સોમનાથ મહાદેવને ગીરની કેસર કેરીનો મનોરથ કરાયો

હિન્દ ન્યુઝ, સોમનાથ 

    આજરોજ સોમનાથ મંદિરનો 73 મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. 11મે 1951 ના એ પાવન દિવસને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યો આયોજન સાથે ઉજવવામાં આવ્યો હતો.

સંધ્યા સમયે સોમનાથ મહાદેવના વિશેષ શૃંગારમાં 210 કિલો કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો. મહાદેવને તેરા તુજકો અર્પણની ભાવનાથી ગીરનું મીઠું મધુરૂ ફળ એવી કેસર કેરી અર્પણ કરવામાં આવી હતી. અને આ કેરીનો મનોરથ બાદનો ઉપયોગ પણ એટલો જ સુંદર રીતે આયોજિત કરાયો છે. જેમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ દિવ્યાંગ ગૃહોમાં આ કેરી મહાદેવના પ્રસાદ સ્વરૂપે દિવ્યાંગજનોને ખવડાવવામાં આવશે. આ રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કામ કરતું સોમનાથ ટ્રસ્ટ પ્રાણપ્રતિષ્ઠા દિવસનો પ્રસાદ દિવ્યાંગજનોને પહોંચાડી તેમને પણ ઉજવણીમાં સહભાગી બનાવશે.

ઉપરાંત આજરોજ દિવસ દરમિયાન સોમનાથ મહાદેવને સમુદ્ર, ત્રિવેણી સંગમ અને ગંગાજી ના જળની કળશ યાત્રા યોજીને અભિષેક કરાયો હતો, સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા, મહાપૂજા સહિતના ભક્તિમય કાર્ય કરવામાં આવ્યા હતા.

Related posts

Leave a Comment