હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગરના અલંગ ખાતે આવેલ ૧૨૦ કિમી ઝડપે વાવાઝોડા બાદ પ્લોટ નંબર ૧૦ માં એમોનિયા ગેસ લીકેજ છે તેવા સમાચાર મળતા ભાવનગર જિલ્લાનું તંત્ર દોડતુ થયું હતુ. જો કે આ રીયલ નહીં પરંતુ મોકડ્રીલ હોવાની જાણ થતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો.
અલંગ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં પ્લોટ આવેલા હોઈ તેમજ અલગ અલગ પ્રકારના કેમિકલનો ઉપયોગ થતો હોઈ કેમિકલ લીકેજ થાય તો તંત્ર કેટલું સજાગ છે તેની ચકાસણી માટે એન.ડી.આર.એફ. ટીમ દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં ફાયર ફાઇટર, ૧૦૮ એમ્બ્યુલન્સ, ટેકનીશિયન ટીમ સહિત સંબંધિત કચેરીઓનો સ્ટાફ તાબડતોડ દોડી આવીને એમોનિયા ગેસ લીકેજ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અલંગ ખાતે કુદરતી તેમજ આકસ્મિક ગેસ લીકેજ સહિતની કોઇપણ ઘટના ઘટે તો કેવી રીતે કાબુ મેળવીને જાન માલને થતુ નુકશાન અટકાવી શકાય તેની પ્રત્યક્ષ મોકડ્રીલ દર વર્ષે યોજવામાં આવે છે.
આ મોકડ્રીલમાં ભાવનગર જિલ્લાના ડિઝાસ્ટર ડી.પી.ઓ. ડિમ્પલબેન તેરૈયા, એન. ડી. આર. એફ. આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પ્રવિણકુમાર, એન. ડી. આર. એફ. ઇન્સ્પેકટર દિપક બાબુ, એન. ડી. આર. એફ. ઇન્સ્પેકટર અજય કુમાર, ગુજરાત મેરીટાઇમ બોર્ડના પોર્ટ ઓફિસર કેપ્ટન રાકેશ મિશ્રા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.