હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા અમરેલી ખાતે કે.કે.પારેખ અને મહેતા આર.પી.વિદ્યાલયમાં રાજ્યકક્ષા કલા મહાકુંભ ૨૦૨૨-૨૩નું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર ઝોનમાંથી ૧૫-૨૦ વર્ષના ગ્રુપમાં મોડેલ સ્કૂલ ઈણાજની વિદ્યાર્થીની મકવાણા પ્રિયા સંજયભાઈએ લોકવાર્તા સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી ગીર સોમનાથનું નામ રોશન કર્યુ છે.
મોડેલ સ્કૂલ ઈણાજમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી તાંતીવેલા ગામના સામાન્ય મજૂરી કરતા પિતાની દીકરીની સફળતા પર શાળાના આચાર્ય અલ્પાબહેન તારપરાએ વિદ્યાર્થી તેમજ તેમના માર્ગદર્શક શિક્ષકઓ અજીતભાઈ ડોડિયા, વાછાણી સીમાબહેન તેમજ પરમાર ક્રિષ્નાબહેનને અભિનંદન પાઠવી ભવિષ્યમાં હજુ પણ આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
નોંધનીય છે કે રાજ્યકક્ષાના કલા મહાકુંભમાં સૌરાષ્ટ્ર ઝોન, મધ્યઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન એમ વિવિધ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને સમૂહગીત, એકપાત્રીય અભિનય, દુહા, છંદ, ચોપાઈ, ચિત્રકલા વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.