તૃણધાન્ય પાકોથી વધ્યો કાજરડીના ખેડૂતનો વૈભવ, મેળવે છે માર્કેટ કરતાં પણ વધુ ભાવ

આંતરરાષ્ટ્રીય મિલેટ યર-૨૦૨૩

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

               પ્રકૃતિની સંભાળ સાથે જ ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક ખેતી આજના યુગની માંગ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકાર દેશભરના ખેડૂતોની સમૃદ્ધિ માટે સતત પ્રયાસરત છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે રાસાયણિક કૃષિના દુષ્પ્રભાવમાંથી ઉગારવા પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અનુરોધ કર્યો છે ત્યારે ગીર સોમનાથના ઉના તાલુકાના કાજરડી ગામના ચારણીયા ભાયાભાઈ રામભાઈ નામના ખેડૂત વિવિધ સરકારી સહાય દ્વારા પ્રાકૃતિક ખેતી થકી તૃણધાન્ય પાકોનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરી ઉત્તમ નફો મેળવી રહ્યાં છે.

દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનતાં જીવામૃત અને ઘનજીવામૃતની ઉપયોગીતા ઉપરાંત બીજામૃત, આચ્છાદન અને વાપ્સાનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. આ તમામ પાસાઓની બારીકાઈથી જાણકારી મેળવી ભાયાભાઈ બાજરી અને જુવારના ઉત્પાદન થકી વાર્ષિક લાખ રૂપિયાની આવક રળી છે. ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, કેવીકે સ્ટાફ, આત્મા સ્ટાફ વગેરેનું ટેલિફોનિક તેમજ રૂબરું માર્ગદર્શન મેળવી અને પ્રાકૃતિક ખેતીમાં વિકાસના પંથે આગળ વધી રહ્યાં છે.

ભાયાભાઈ રામભાઈએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીમાં ખાતરો અને જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગના કારણે પાણી તેમજ પર્યાવરણ પણ પ્રદૂષિત થાય છે. રસાયણ ભળવાને કારણે લોકોને કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીનો ખતરો પણ વધે છે. તદુપરાંત ખેતીલાયક જમીને પોતાની ફળદ્રુપતા ગુમાવી છે જેથી ખેડૂતની આર્થિક સ્થિતિ કથળી રહી છે. આ તમામ પરિબળોનો ઉકેલ પ્રાકૃતિક ખેતીમાં સમાયેલો છે.

કેવી રીતે તૈયાર થાય છે બિયારણ?

બિયારણ વિશે વાત કરતા ભાયાભાઈએ જણાવ્યું કે, અમારા ખેતરમાં આગલા વર્ષે જે બીયારણ પાકેલું હોય તેમાંથી તૈયાર કરીને જાતે જ બિયારણ વાવવામાં આવે છે. મેં મધ્યમ પાકતી બાજરો અને મધ્યમ પાકતી જુવાર પસંદ કરેલી છે. ઉપરાંત પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંત મુજબ હાથથી જ નિંદણ નિયંત્રણ અને સાથે આંતરખેડ પણ કરીએ છીએ સાથે જ તૃણધાન્યપાકોની આડપેદાશમાં નીકળતો ચારો પશુને ઉપયોગી થાય છે.

મળ્યો સરકારની વિવિધ યોજનાઓનો લાભ:

ભાયાભાઈ ‘ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી’, ‘સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી’, ‘પ્રાકૃતિક ખેતીમાં પાક સંરક્ષણ’ જેવી કૃષિ શિબિર તેમજ સરકાર દ્વારા યોજાતા કૃષિ મેળાઓ તેમજ જિલ્લા ખેતીવાડીના અધિકારીઓ દ્વારા સરકારની યોજનાઓની વિવિધ માહિતી અને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવે છે. આ ઉપરાંત ભાયાભાઈને દર મહિને ૯૦૦ રૂ. ગાય નિભાવ ખર્ચ અને શેડ બનાવવાની પણ સહાય મળી છે તેમજ વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવવાની પણ સહાય મળી છે.

વડાપ્રધાનના ‘ડિજિટલ ઈન્ડિયા’ તરફ એક ડગલું:

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ડિજિટલ ઈન્ડિયા’ના સપનાને સાકાર કરતા ભાયાભાઈ ગ્રાહકોને ડિજિટલ માધ્યમથી પાક વિશે જાણકારી આપે છે અને આ ગ્રાહકો તેમની અનુકૂળતા મુજબ ખરીદી કરે છે. પદ્ધતિ વિશે જણાવતા ભાયાભાઈએ કહ્યું કે, પાક સંપૂર્ણ થયા પછી કાપણી કરવામાં આવે છે અને તૃણધાન્ય પાકોને વાઢીને એક જગ્યાએ એકઠાં કરવામાં આવે છે. જેનો ભેજ સૂકાઈ ગયા બાદ લળણી કરવામાં આવે છે. જે પછી સીધું જ ગ્રાહકોને વેંચાણ કરવામાં આવે છે જેમાં માર્કેટ કરતાં પણ વધુ ભાવ મળે છે અને જો કોઈ ખેતરની મુલાકાતે આવે છે તો મારી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ જોઈ અને કાયમી ગ્રાહક બને છે.

રોગ-જિવાતના નિયંત્રણ માટેની પદ્ધતિ:

હવામાનમાં ફેરફારના કારણે તૃણધાન્યોની પ્રાકૃતિક ખેતીમાં રોગ-જીવાત જોવા મળે તો તેમના નિયંત્રણ માટે ભાયાભાઈ દ્વારા નિમાસ્ત્ર, જૂની ખાટી છાશ, દર્શપર્ણી અર્ક, અગ્નિઅસ્ત્ર જેવી વનસ્પતિજન્ય દવાઓ તેમજ ગૌઆધારિત નિયંત્રકોનો ઉપયોગ કરવામાં આવે છે. વધુમાં તેમનો અનુભવ વર્ણવતા ભાયાભાઈએ કહ્યું હતું કે, તૃણધાન્ય પાકોમાં યોગ્ય સમયસરની વાવણીથી રોગ-જીવાતનું પ્રમાણ ઘટાડી શકાય છે.

ભાયાભાઈએ જણાવ્યું હતું કે, ‘ગુજરાત સરકાર ખેડૂતોને રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવથી બચાવવા માટે ખૂબ જ મહેનત કરી રહી છે અને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે માર્ગદર્શન સાથે સહાય પણ પૂરી પાડે છે. આ જ માર્ગદર્શન અને સહાયથી મેં મારી આર્થિક સ્થિતિ પણ સુધારી છે અને ખેતીને રાસાયણિક અસરમાંથી મુક્ત કરી જમીનની ફળદ્રુપતા વધારી છે. આ માટે હું ગુજરાત સરકારનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું.’

આ રીતે ભાયાભાઈ ચારણિયા વર્ષ ૨૦૧૮થી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા અને સરકારી સહાય તેમજ જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના માર્ગદર્શન અને ડિજિટલ માધ્યમથી વેંચાણ થકી પોતાની ખેતીનો વૈભવ વધારવામાં સમર્થ બન્યા અને આસપાસના વિસ્તારોના અન્ય ખેડૂતોને પણ પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે. જે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પણ સન્માન કરવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment