જામનગર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને પોષણ પખવાડિયા ઉજવણીની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર

     કેન્દ્ર સરકારના માર્ગદર્શન તળે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં તારીખ 9 થી 23 માર્ચ 2024 સુધી છઠ્ઠા પોષણ પખવાડિયાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તારીખ 8 માર્ચ વર્ષ 2018ના રોજ રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

પોષણ પખવાડિયાનો ધ્યેય જન ભાગીદારી દ્વારા સમાજમાં બાળકોમાં જોવા મળતા કુપોષણ વિશે જાગૃતિ લાવવા, પોષણક્ષમ આહારનું મહત્વ ઉજાગર કરવા અને સ્વસ્થ આહારને પ્રોત્સાહન આપવાનો રહેલો છે. જેના ઉપલક્ષે જામનગર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતમાં પોષણ પખવાડિયા ઉજવણી વર્ષ 2024 ની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

ચાલુ વર્ષે 2024માં સહી પોષણ, દેશ રોશન અને પોષણ ભી, પઢાઈ ભી- આ થીમ આધારિત જિલ્લાની આંગણવાડીઓમાં બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત અને પોષણક્ષમ આહાર બાળકોને મળે તે માટે વિવિધ પ્રયત્નો હાથ ધરાશે. સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને નવજાત બાળકોનું સમયસર રસીકરણ થાય, બાળકોને પોષણક્ષમ આહાર મળે, આંગણવાડીઓમાં વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકો સક્રિય રીતે ભાગ લે, મીલેટ્સ વાનગી સ્પર્ધા, બાળકો માટે મીલેટ્સ વાનગીનો રસોઈ શો, વાલીઓ માટે હોમ વિઝીટ, સગર્ભા માતાઓનું કાઉન્સેલિંગ કરવું, સ્તનપાન વિષે જાગૃતિ, યોગ સેમિનારનું આયોજન, સોશિયલ મીડિયા થકી બહોળો પ્રચાર-પ્રસાર, ગ્રામ્ય વિસ્તારોમાં લોક માધ્યમોનો મહત્તમ ઉપયોગ વધારવો, એનિમિયા નાબુદી, આંગણવાડીઓમાં બાળકો માટે કિચન ગાર્ડનનું નિર્માણ કરવું તેમજ અન્ય જરૂરી મુદ્દાઓની સમિતિના સદસ્યો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સમિતિના સદસ્યોને કામગીરી સુચારુરૂપે થાય તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા.

બેઠકના અંતે ઉપસ્થિત સર્વેએ પોષણ જાગૃતિ અંગે શપથ ગ્રહણ કર્યા હતા. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર સુ બિનલ સુથાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા, ડી.પી.સી. ખારેચા, તમામ તાલુકાના સી.ડી.પી.ઓ., જિલ્લા શિક્ષણાધિકારી બી.એન.વીડજા, બી.એન.મહેતા તેમજ સમિતિના અન્ય સદસ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

Related posts

Leave a Comment