હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગુજરાત માધ્યિમક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો તા.૧૪ મી માર્ચથી પ્રારંભ થઇ રહ્યો છે. આ પરીક્ષાઓ વિદ્યાર્થીઓ નિર્ભયપણે અને શાંત વાતાવરણમાં આપી શકે તે માટે ગીર સોમનાથ જિલ્લા કલેકટર રાજદેવસિહ ગોહિલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ઈણાજ ખાતે પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.
જેમાં કલેકટરએ જણાવ્યું હતુ કે, બોર્ડની પરીક્ષાઓ તણાવમુક્ત અને શાંત વાતાવરણમાં યોજાય અને વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકે તે રીતે આયોજન કરવા જણાવ્યુ હતુ અને કલેક્ટરએ વિવિધ વિભાગોના અધિકારીઓને પરીક્ષાની કામગીરી સુચારૂ રીતે થાય જે સંદર્ભ સુચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી અને સભ્ય સચિવ જિલ્લા પરીક્ષા સમિતિ આર .એ.ડોડીયાએ પરીક્ષા માટે કરવામાં આવેલ વ્યવસ્થા અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે જિલ્લામાં કુલ ૪૪ પરીક્ષા કેન્દ્રો છે તેમજ ૧૧૯ બિલ્ડીંગોમાં અને ૧૧૮૭ બ્લોકમાં આ પરીક્ષાઓ યોજાશે. જેમા ૨૭ પરીક્ષા કેન્દ્રમાં ધો.૧૦ના ૧૯૭૩૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ૧૩ પરીક્ષા કેન્દ્રમાં ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૩૪૪૪ અને ૪ પરીક્ષા કેન્દ્રમાં વિજ્ઞાન પ્રવાહના ૧૭૪૪ વિદ્યાર્થીઓ એમ કુલ ગીર સોમનાથ જિલ્લામાં ૩૪૯૨૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને વિદ્યાર્થીઓને પરીક્ષાનો હાવ દુર થાય અને માહિતી માટે જિલ્લામા ત્રણ કાઉન્સેલિંગ સેન્ટર અને એક કંટ્રોલ રૂમ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે કાર્યરત છે તેમજ જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ બેઠકમા નાયબ પોલીસ અધીક્ષક વી.આર.ખેંગાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.કે.વાજા, શિક્ષણ નિરિક્ષક અપારનાથી, જિલ્લા શિક્ષણાધિકારી અને સભ્ય સચિવ જિલ્લા પરીક્ષા સમિતિ આર.એ.ડોડીયા તેમજ પરીક્ષા સમિતિના સભ્યઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.