હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ભારત સરકાર દ્વારા સંયુકત રાષ્ટ્ર સંઘ સમક્ષ વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે જાહેર કરવા પ્રસ્તાવ રજૂ કરેલ હતો. જે અન્વયે સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ (તૃણ ધાન્ય) વર્ષ તરીકે જાહેર કરેલ છે. આંતરરાષ્ટ્રીય મિલેટ (તૃણ ધાન્ય) વર્ષ-૨૦૨૩ ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ગૌણ ધાન્ય જેવા કે બાજરો, રાગી, નાગલી, જુવાર, કોદરા, મોરયો, કાંગ, સામો વગેરેનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી તેમજ માનવ આરોગ્ય, પર્યાવરણ અને ખેડૂતોની આવકમાં વધારો તથા જન સામાન્યમાં જાગૃતતા લાવવાનો અને ભારતને આંતરરાષ્ટ્રીય મિલેટ (તૃણ ધાન્ય) બજારમાં કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવાનો છે.
જેના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન– ન્યુટ્રી સીરીયલ યોજના હેઠળ ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત, ગીર સોમનાથ દ્વારા તા.૨૨/૦૨/૨૦૨૩નાં રોજ એપીએમસી માર્કેટયાર્ડ, કાજલી ખાતે અને તા.૨૪/૦૨/૨૦૨૩ના રોજ સંત વિરાબાપાની જગ્યા, ડોળાસા ખાતે જિલ્લા કક્ષાના મિલેટ ઉત્સવનું આયોજન કરેલ છે.
જિલ્લા કક્ષાના મિલેટ ઉત્સવની ભાગરૂપે બાજરા, જુવાર, રાગી, સામો, કોદરા જેવા તૃણ ધાન્યપાકની પાક પદ્ધતિ બાજરા, જુવાર, રાગી, સામો, કોદરા જેવા તૃણ ધાન્યપાકોના મુલ્યવર્ધન તથા પોષણ અને આરોગ્યમાં મહત્વ બાબતે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ઉત્સવના અંતે પરંપરાગત મિલેટ (તૃણ ધાન્ય)ની બનેલી વાનગીઓનું ભોજન પીરસવામાં આવશે. જિલ્લા કક્ષાના મિલેટ મહોત્સવમાં ખેડૂતમિત્રોએ અવશ્ય પધારવું તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી ગીર સોમનાથની એક યાદીમાં જણાવાયું છે.