હિન્દ ન્યુઝ, નર્મદા
નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ “પૂર્ણા યોજના” સહિત આંગણવાડી કેન્દ્રોમાં અપાતી તમામ સેવાઓ અંગે કિશોરીઓને અવગત કરાવતા આઈ.સી.ડી.એસ. ના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ રાજપીપલાની કન્યા વિનય મંદિર ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાની કરાયેલી ઉત્સાહભેર ઉજવણી રાજ્ય સરકારના બાળ વિકાસ વિભાગ દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” તથા “પૂર્ણા યોજના” અંતર્ગત નર્મદાના નાંદોદ તાલુકાના રાજપીપલા ખાતે કન્યા વિનય વિદ્યાલયના પટાંગણમાં નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખના અધ્યક્ષસ્થાને “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કિશોરીઓની સુરક્ષા, સશક્તિકરણ, આરોગ્ય-પોષણ-શિક્ષણનું મહત્વ, ઘરેલુ હિંસાથી રક્ષણ તેમજ મહિલાઓના સર્વાંગી વિકાસ અંગે કિશોરીઓમાં સમજ કેળવવાનો ઉમદા આશય રહેલો છે. આ પ્રસંગે ડો.દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, બાળકોની સાથે માતા પણ તંદુરસ્ત હોય તે અતિઆવશ્યક છે. કારણ કે, તંદુરસ્ત સમાજના નિર્માણમાં મહિલાઓનો સિંહ ફાળો છે. મહિલાઓ સ્વસ્થ હશે તો જ આવનાર બાળક તંદુરસ્ત જન્મ લેશે. ડો.દર્શનાબેને વધુમાં ઉમેર્યુ કે, નર્મદા જિલ્લાની દીકરીઓ દરેક ક્ષેત્રે હરણફાળ ભરી દેશહિતમાં પોતાનું યોગદાન આપવા સક્ષમ છે. જો તેઓ પૌષ્ટિક આહાર આરોગશે તો મન અને શરીર તંદુરસ્ત બનશે. જેથી શિક્ષણમાં એકાગ્રતા કેળવી દરેક ક્ષેત્રે ઉપલબ્ધિઓ હાંસલ કરીને પોતાના પરિવાર સાથે દેશને ગૌરવાન્વિત કરી શકે છે. “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળામાં આઈ.સી.ડી.એસ.ના જિલ્લા પ્રોગ્રામ ઓફીસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલે પણ કિશોરીઓને સ્વાસ્થ્ય, સુરક્ષા અને સ્વનિર્ભરતા તથા કોઈ પણ સમસ્યા અંગે વાતચીત અને સલાહ સુચન લેવામાં ખચકાવુ ના જોઈએ એમ સમજ કેળવીને “પૂર્ણા યોજના” અંતર્ગત આંગણવાડીમાં આપવામાં આવતી તમામ સેવાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગો દ્વારા સ્ટોલનું આયોજન કરી કિશોરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડો. દેશમુખે તમામ સ્ટોલની મુલાકાત લઈને જે તે વિભાગોના કામગીરીની પ્રશંસા કરી હતી. આ સ્ટોલ થકી આરોગ્ય અને પોષણ અંતર્ગત કિશોરીઓનું હિમોગ્લોબિન, ઉંચાઈ અને વજનની ચકાસણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા વિવિધ પૌષ્ટિક વાનગીઓના ઉપયોગ તેમજ પોષણ અંગેના પોસ્ટર અને બેનર દ્વારા બહોળા પ્રમાણમાં પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી નિલાંબરીબેન પરમાર, નાંદોદ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રીમતી અશ્વિનીબેન વસાવા સહિત જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે.બી.પરમાર, જિલ્લા પોલીસ મુખ્ય મથકના નાયબ પોલીસ અધિક્ષક પી.આર.પટેલ, બાળ સુરક્ષા અધિકારી ચેતનભાઈ પરમાર, અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિ, બેન્ક ઓફ બરોડાના ચીફ મેનેજર, કાનુની સેવા સત્તા મંડળના એડવોકેટ, શાળાના આચાર્ય, શાળા પરિવારના તમામ સ્ટાફ સહિત સબંધિત જિલ્લા-તાલુકાના સબંધિત અધિકારી-કર્મચારીઓ, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.
Post Views:
38