બોટાદ જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૨
હિન્દ ન્યુઝ, બોટાદ
રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવ્યું છે. ત્યારે બોટાદમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને આજે જુના માર્કેટીંગ યાર્ડ, પાળીયાદ રોડ ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં બોટાદ જિલ્લામાં કુલ ૧૬,૧૩૮ લાભાર્થીઓને રૂ.૧૦૮ કરોડથી વધુની રકમની વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે પૈકી જિલ્લા પંચાયતના પ્રમુખ તથા અન્ય મહાનુભાવોના હસ્તે પ્રતિકરૂપે ૨૧ લાભાર્થીઓને મંચ પરથી સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે, દેશના કર્મશીલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત અભિગમને આપણે સૌએ વધાવવો જોઈએ. સરકારની વિવિધ યોજનાઓ અન્વયે બહેનો આજે આર્થિક પગભર બનવાની સાથે જ આત્મનિર્ભર બની રહી છે. બોટાદમાં આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં જુદી જુદી યોજનાઓ અંતર્ગત ૧૬,૧૩૮ લાભાર્થીઓને રૂ. ૧૦૮ કરોડથી વધુ રકમની સહાય મળી છે. દેશને ઉન્નત ભવિષ્ય તરફ લઈ જવા માટે સરકાર હરહંમેશ પ્રયત્નશીલ હોવાનું વિરાણીએ ઉમેર્યું હતું.
જિલ્લા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વનાળીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગરીબો, વંચિતો, પીડિતો સહિત જરૂરીયાતમંદ લાભાર્થીઓને જન કલ્યાણકારી યોજનાઓના લાભો સરળતાથી મળી રહે તે માટે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કર્યું હતું. આ પરંપરાને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આગળ વધારી છે જેના લાભો છેવાડાના લોકો સુધી પહોંચ્યા હોવાથી લોકોનું જીવનધોરણ ઉચું આવ્યું છે. આ ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ યોજનાઓ થકી માતબર રકમની સહાય ચૂકવાઈ છે, જેનો લાભ બોટાદ જિલ્લાનાં અનેક લાભાર્થીઓને મળી રહ્યો છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણી સહિત મંચસ્થ મહાનુભાવોએ પંચાયત વિભાગની વિવિધ યોજનાઓને સમાવી લેતાં “પંચાયતી રાજની આગેકૂચ” પુસ્તકનું વિમોચન કર્યું હતું. કાર્યક્રમનાં પ્રારંભે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, બોટાદ જિલ્લા રમતગમત કચેરીનાં સહયોગ થકી ભાવનગરનાં કલાવૃંદોએ લોકડાયરો, મિશ્ર-હુડોરાસ રજૂ કર્યાં હતા.
ઉપસ્થિત લોકોએ ગરીબ કલ્યાણ મેળાની ડોક્યુમેન્ટરી સહિત પંચાયતની સફળવાતો દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. આ ઉપરાંત લાભાર્થી ઘનશ્યામભાઇ માથોલીયાએ પોતાની સાફલ્યગાથા રજૂ કરી હતી પ્રારંભે પ્રાંત અધિકારી દિપકભાઇ સતાણીએ સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. અંતમા નાયબ જિલ્લા વિકાસ અધિકારી મકવાણાએ આભાર દર્શન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વનાળીયા, જિલ્લા કલેક્ટર બી. એ. શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી. ડી. પલસાણા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી દયાબેન અણીયાળીયા સહિત જિલ્લાનાં પદાધિકારીઓ-અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ