૩૦ મો આંતરરાષ્ટ્રીય કોલેજ સ્પર્ધાત્મક યુવક મહોત્સવ

અમૃત રંગ-૨૦૨૨ યુવા ઉર્જા મહોત્સવ

હિન્દ ન્યુઝ, ભાવનગર

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે તક્ષશીલ ઇન્સ્ટિસ્ટૂટ ઓફ સાયન્સ એન્ડ કોમર્સના યજમાનપદે યુનિવર્સિટીના એમ્ફિ થીયેટર ખાતે ૩૦ મો આંતરરાષ્ટ્રીય કોલેજ સ્પર્ધાત્મક મહોત્સવ અમૃત રંગ- ૨૦૨૨ યુવા ઉર્જા મહોત્સવ યોજાયો હતો.

આ તકે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, આપણે આપણી મૂળ સંસ્કૃતિ, સંસ્કાર સાથે જોડાયેલાં રહીએ તો જ આપણો વિરાસત અને વારસો ટકી રહેશે.

તેમણે જણાવ્યું કે, આજના યુવાનોમાં અસીમ પ્રતિભા પડેલી છે. જરૂર છે એને મંચ પૂરો પાડવાની, વ્યવસ્થા પૂરી પાડવાની. જો તેને મંચ મળશે તો ઉંડાન ભરવાં તૈયાર છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, યુવા પ્રતિભાને તક મળે તે માટે ’સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇન્વેશન પોલીસી’ની શરૂઆત રાજ્યમાં કરવામાં આવી છે. આ માટે બજેટ રૂ.૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સતત ત્રીજા વર્ષે આ માટેનો એવોર્ડ રાજ્ય સરકારને મળ્યો છે.

તાજેતરમાં જ ઇનોવેશન અને રિસર્ચ ફેસ્ટિવલની શરૂઆત કરી નવાં સંશોધનો માટે પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યાં છીએ. રાજ્યની યુવા પ્રતિભામાં પડેલા સ્કીલ, આઈડિયા, ઇનોવેશનને સંકલિત કરી તેને વધારવા માટે આ પ્લેટફોર્મ ઉપયોગી બની રહેશે.

તેમણે કહ્યું કે, યુવા પ્રતિભાને તેમના શોધ-સંશોધન માટે રૂ. ૨.૫ લાખની મદદ કરવામાં આવે છે. આ સિવાય તેમના વિચારને માઈન્ડ ટુ માર્કેટ સુધી લઈ જવાં માટે રૂ. ૧૫ કરોડ થી રૂ. ૨૦ કરોડ સુધીની મદદ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમના આ કાર્યમાં મદદરૂપ થવાં માટે અને સંશોધન માટે આઈ- હબ સતત કાર્યરત છે.

તેમણે વધુમાં વધુ કે, ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવેલાં છેે આ ઉદ્યોગોને પણ નવાં વિચારો નવા સંશોધનોની જરૂર હોય છે. આ રીતે પ્લેટફોર્મ મળતાં આગળ આવેલાં વિદ્યાર્થીઓના વિચારો અને સંશોધનો રાજ્યના ઉદ્યોગને એક નવી દેશી દિશા આપવાનું સામર્થ્ય ધરાવે છે.

રાજ્યના યુવાનોને તાલીમ મળી રહે તે માટે આઈ-ક્રિએટ, કૌશલ્ય યુનિવર્સિટી, ગુજરાત ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ સહિતના વિવિધ વ્યવસાયિક તાલીમ કેન્દ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યાં છે તેની વિસ્તૃત વિગતો તેમણે આપી હતી.

યોગ્ય દિશાપથ પકડવાં યુવાનો જ કાર્ય કરી શકે તેમ છે. જો તેઓ સકારાત્મક થી આગળ વધે અને નકારાત્મક ત્યજે તો તેમના માટે અનેક તકો રહેલી છે તેમ તેમણે વિસ્તૃત ઉદાહરણો સાથે સમજણ આપી હતી.

આ તકે સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળે જણાવ્યું કે, કોલેજકાળ વિદ્યાર્થી જીવનનો મહત્વપૂર્ણ સમય હોય છે. આ દિવસો સૂવર્ણ દિવસો હોય છે. તેમાં પણ યુથ ફેસ્ટિવલના બે-ચાર દિવસો યાદગાર હોય છે.

તેમણે પ્રતિભાની વ્યાખ્યા આપતાં જણાવ્યું કે, જે યુવાનોમાં જોમ-જુસ્સો હોય છે. તેને જ પ્રતિભાશાળી યુવાન કહી શકાય અને આ પ્રતિભાને ખિલાવવાનો અવસર યુવક મહોત્સવ આપે છે.

વડાપ્રધાન યુવાઓના વિચારને દેશના વિકાસમાં જોડીને દેશને આગળ વધારી રહ્યાં છે ત્યારે દેશના નિર્માણની તાકાત યુવાનોમાં છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ તકે એ.એસ.પી. સફિન હસને જણાવ્યું કે, ભાવનગર શહેર એક વિશાળ અને ગહન વટવૃક્ષ છે. ભાવનગરના સૈનિકોએ હાઈફા બંદર પર લડીને ઇઝરાઈલ દેશના જન્મ માટે કારણભૂત બન્યાં હતાં. આમ, ભાવનગર પાસે ખડતલતાના સંસ્કારો પરાપૂર્વથી પડેલાં જ છે. જરૂર છે તેને ઓળખવાની અને બહાર લાવવાની.

તેમણે તેમના છેલ્લાં બે વર્ષના ભાવનગર ખાતેના સંસ્મરણો વાગોળતાં કહ્યું કે, ભાવનગરમાંથી ઘણુંબધું શીખવાં મળ્યું છે. હવે એક નવી યાત્રા તરફ આગળ વધી રહ્યો છું. ત્યારે તેમણે ભાવેણા પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી.

તેમણે યુવાપેઢીને સંબોધતા જણાવ્યું કે, આ પેઢી ગેરમાર્ગે દોરાતી નથી. પરંતુ મૂંઝવણમાં છે. તેને સારા વિકલ્પો આપવાની જરૂર છે. સાચા માર્ગદર્શનની જરૂર છે.

તેમણે પતંગની જેમ આકાશમાં ઉડવાની છૂટ છે, પરંતુ આપણાં મૂળ, કુળ અને સંસ્કારો સાથે જોડાયેલાં રહેવાં માટે આહવાન કર્યું હતું.

તક્ષશિલા કોલેજના મૌલિક પાઠકે જણાવ્યું કે, કોરોનાને કારણે છેલ્લાં ૨ વર્ષથી યુથ ફેસ્ટિવલ બંધ હતો, પરંતુ હવે શરૂ થયો છે ત્યારે રાજ્યકક્ષા સુધી જવા માટેનાં દ્વાર ખૂલ્યાં છે. તક્ષશિલાને વર્ષઃ ૨૦૧૮ પછી ફરીથી યજમાન કરવાનો અવસર મળ્યો છે તેનો આનંદ છે.

જાણીતા ફિલ્મ નિર્માતા અભિષેક જૈને પોતાની ફિલ્મયાત્રાની વાત કરીને પોતાના ભાવનગર સાથે સંકળાયેલા સંસ્મરણો વાગોળ્યાં હતાં.

તેમણે ઉમેર્યું કે, ભાવનગરમાં કલા છે, સંગીત છે, સાહિત્ય છે ત્યારે ભાવનગર પણ તેમાં આગળ આવે. યુથ મહોત્સવમાંથી તમારામાંથી ભય દૂર થઈ જાય છે અને તમારામાં એક આત્મવિશ્વાસ જન્મે છે. હું પણ તેમાં ભાગ લઈને આગળ આવ્યો છું તેની પ્રેરણામય વાત કરી હતી.

આ તકે મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, જિલ્લા પોલીસ વડા ડો.રવિન્દ્ર પટેલ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. એમ.એમ.ત્રિવેદી, રજિસ્ટ્રારશ્રી કૌશિક ભટ્ટ, વિવિધ વિભાગોના ડિનઓ, એજ્યુકેશન કાઉન્સિલના સભ્યોઓ, કોલેજના આચાર્યઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment