વરસાદે વિરામ લેતા જ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોડીનાર-સોમનાથ રસ્તાનું સમારકામ શરૂ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

જિલ્લાના કેટલાક સ્થળોએ ભારે વરસાદના કારણે રસ્તાઓ પર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે ત્યારે વરસાદે વિરામ લેતાં જ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા યુદ્ધના ધોરણે કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વેરાવળ-કોડીનાર નેશનલ હાઈવેના મેઈન્ટેનન્સનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે હવે વાહનચાલકોને આંશિક રાહત મળશે.

નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે રિપેરિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ડોળાસા સહિત લાટી, કદવાર, સુત્રાપાડા, અમરાપર, ગોરખમઢી તેમજ ઉના શહેરી વિસ્તાર, કોડીનાર શહેરી વિસ્તારમાં પણ જ્યાં મસમોટા ખાડા હોય તેને બૂરી દઈ લેવલિંગ કરવામાં આવી રહ્યું છે ઉપરાંત કોડીનાર-સોમનાથ નેશનલ હાઈવે પર પણ બિસ્માર રસ્તાને મરામત કરવાની કામગીરી ચાલુ છે.

નેશનલ હાઈવે ઓથોરિટી પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેન્શન યુનિટ જનરલ મેનેજર અને પ્રોજેક્ટ ડિરેક્ટર એસ.ચૌધરીના જણાવ્યાનુસાર વરસાદ જ્યારે સંપૂર્ણપણે વિરામ લેશે ત્યારે નેશનલ હાઈવે જ્યાંથી પસાર થાય છે તેમાં વચ્ચે આવતા ગ્રામ્ય વિસ્તારને પણ આવરી લેવામાં આવશે તેમજ ઉના અને કોડીનારથી સોમનાથના બિસ્માર રસ્તામાં ચાલતા કામની ઝડપ પણ બમણી કરી દેવામાં આવશે.

Related posts

Leave a Comment