હિન્દ ન્યુઝ, રાજુલા
રાજુલા પ્રાંત કચેરી ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ. જેમાં જણાવ્યું હતું કે, હાલમાં તલાટી કમ મંત્રીના રાજ્યવ્યાપી હડતાલ ચાલુ હોય ત્યારે ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ તારીખ ૨ ઓગસ્ટથી અચોકસ મુદતની હડતાલ ઉપર બેઠા છે. ત્યારે આજે ૨૦ દિવસ જેટલો સમય થવા આવ્યો છે. પરંતુ હજુ સુધી સરકાર દ્વારા હડતાલનો કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું નથી. જેમાં ૨૦૦૪ થી ૨૦૦૫ ની ભરતીના તલાટી મંત્રીને સળંગ નોકરી ગણવા બાબત તથા ૧-૦૧- ૨૦૧૬ બાદ મળવા પાત્ર પ્રથમ દ્વિતીય પગાર ધોરણ મંજુર કરવા બાબત સહિત તલાટી કમ મંત્રીઓની વિવિધ માંગણીઓ સંદર્ભે સરકાર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવીને જેવી રીતે પોલીસ વિભાગમાં ૫૫૦ કરોડનું ભંડોળ ફાળવી તેમની માંગણીઓ સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તેવી જ રીતે તલાટી કમ મંત્રીઓને પણ તેમની તમામ માંગણીઓ બાબતે હડતાલનો સુખદ અંત આવે જેથી તલાટી કમ મંત્રીઓને ન્યાય મળે એ દિશામાં સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી હતી.
અને તલાટી કમ મંત્રીઓ હડતાલ પર હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. જ્યાંરે તલાટી મંત્રીઓ હડતાલ પર હોવાને કારણે સરકારી યોજના તથા વિકાસના કામો પણ હાલ ખોરંભે પડેલ છે. તલાટી કમ મંત્રી ગ્રામ્ય કક્ષાએ પાયાના કર્મચારી હોય ત્યારે અરજદારો તથા લાભાર્થીઓને મુશ્કેલી પડતી હોવાથી મુશ્કેલીઓને ધ્યાન રાખીને સરકાર દ્વારા સત્વરે કોઈપણ યોગ્ય રીતે નિર્ણય કરવામાં આવે અને રાજ્યવ્યાપી હડતાલનો સત્વરે સુખદ્ નિરાકરણ કરવામાં આવે તેવી રાજુલા તાલુકા કોંગ્રેસ સમિતિની દ્વારા માંગ કરવામાં આવી છે. આગામી સમયમાં જો તલાટી કમ મંત્રીઓની વિવિધ માંગણીઓનુ નિરાકરણ કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. આ તકે તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગાંગાભાઈ હડિયા, ધનશ્યામભાઈ વાઘ (યુથ કોંગ્રેસ પ્રમુખ), અજયભાઈ શીયાળ,(યુવા આગેવાન), રશુલભાઈ કુરેશી (માઇનોરીટી કોંગ્રેસ પ્રમુખ અમરેલી), મેહુલભાઈ ગઢવી, દિપકભાઈ કલસરિયા, હિતેષભાઈ સોલંકી, જે.ડી. કાછડ(જીલ્લા પંચાયત સદસ્ય), મહેશભાઈ રાઠોડ (મોરંગી સરપંચ), અજયભાઈ કાપડીયા, મનુભાઈ નકુમ(સરપંચ કોટડી), સવાભાઈ ખાખબાઈ સરપંચ, ગોવિંદભાઈ વાળા(સરપંચ માંડળ), સહીત સરપંચો અને કોંગ્રેસ આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : સુભાષ સળખણા, રાજુલા