હિન્દ ન્યુઝ, બોટાદ
આજના સ્પર્ધાત્મક યુગમાં યુવાનો માટે પથદર્શક સમાન ગુજરાત સરકારશ્રીનાં માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત થતું “ગુજરાત પાક્ષિક” રાજ્યમાં ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે. આ સામયિકમાં મુખ્યત્વે ગુજરાત સરકાર દ્વારા ચાલતી યોજનાઓ અને સરકારના વિવિધ વિભાગોમાં થતા લોકોપયોગી કાર્યોનાં અહેવાલ અને માહિતી જન-જન સુધી પહોંચાડવામાં આવે છે. રાજ્યનાં ખૂણે-ખૂણે પહોંચતાં આ પાક્ષિકમાં ગુજરાત રાજ્ય અને ગુજરાતની પ્રજાને આવરી લેતાં વિષયોને પ્રાધાન્ય આપવામાં આવે છે.
દર વર્ષે દિવાળીના તહેવારો દરમ્યાન પ્રગટ થતો દીપોત્સવી અંક રાજ્યભરમાં પોતાની આગવી પ્રતિષ્ઠા ધરાવે છે. તેમાં સમાવિષ્ટ અભ્યાસપુર્ણ વિષયો, નિબંધ, હાસ્યનિબંધ, નાટિકા, નવલીકાઓ અને કાવ્યો જેવી વાંચન સામગ્રી માટે તે વાંચકોની પહેલી પસંદ બની રહે છે. આ ઉપરાંત કારકિર્દી વિશેષાંક અને રાજ્યની ધરોહરને લગતા વિષયો પર પણ સમયાંતરે અંક બહાર પાડવામાં આવે છે. જે યુવાવર્ગ માટે માહિતીનાં ખજાના સમાન સાબિત થઈ રહ્યો છે.
આ સામયિકમાં સાંસ્કૃતિક વિરાસત, સાહિત્યિક રચનાઓ, ઐતિહાસિક ધરોહરને લગતી માહિતીનો ભંડાર તો છે જ, સાથોસાથ તેમાં ખેતીવિષયક, સાયન્સ એન્ડ ટેક્નોલોજીને લગતી સરકારની સિદ્ધિઓ, આરોગ્ય વિષયક બાબતો, શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિઓ, સાફલ્ય ગાથાઓ, પ્રેરણાત્મક કથાઓ આલેખવામાં આવે છે. વળી પ્રજાને જે લાભ મળતાં હોય તેની માહિતી પણ રજૂ કરવામાં આવે છે. ટૂંકમાં, ગુજરાત રાજ્યની ગતિ-પ્રગતિનો આલેખ રજૂ કરતું આ સામયિક તમામ વયજૂથનાં લોકો માટે ઉપયોગી છે. આ સામયિકમાં લોકોને વૈવિધ્ય સભર અને જ્ઞાનવર્ધક વાંચનસામગ્રી મળી રહે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત દીપોત્સવી અંક પ્રતિ વર્ષ પ્રબુદ્ધ નાગરિકોને ગુજરાતની ગરિમાથી રસ તરબોળ કરે છે. દીપોત્સવી અંક વાંચકોના વાંચન આનંદનો છડીદાર બની રહે છે.
ત્યારે બોટાદ જિલ્લામાં અનેક યુવાનો દિશાનિર્દેશક સમાન ગુજરાત પાક્ષિકના વાંચનથી લાભાન્વિત થઈ રહ્યાં છે. નિયમિતપણે માહિતી કચેરી, બોટાદ ખાતેથી ગુજરાત સામયિક મેળવતાં યુવાનોએ પાક્ષિક વિશે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.
શું કહે છે ગુજરાત પાક્ષિકના વાંચકો ?
ગુજરાત પાક્ષિક સરકારી પ્રકાશન હોવાથી તમામ માહિતી સચોટ અને વિશ્વસનીય હોય છે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખુબ ઉપયોગી નીવડે છે : રાહુલભાઇ વાઘેલા
બોટાદનાં સરવા ગામના રહેવાસી રાહુલભાઇ વાઘેલા જણાવે છે કે, સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે ગુજરાત સામયિક આશીર્વાદ સમાન છે. હું નિયમિતપણે દર 15 દિવસે આ સામયિક પ્રાપ્ત કરી લઉ છું. જેથી હું તમામ વર્તમાન પ્રવાહો વિશે માહિતગાર રહી શકું. ગુજરાત પાક્ષિકમાં સરકારશ્રીની વિવિધ લોકોપયોગી યોજનાઓ વિશે મને સરળતાથી માહિતી મળી રહે છે. ગુજરાત સામયિક સરકારનું પોતાનું પ્રકાશન હોવાથી તમામ માહિતી સચોટ અને વિશ્વસનીય હોય છે. જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખુબ ઉપયોગી નીવડે છે. મારા જેવાં યુવાનોને પણ હું આ સામયિક વાંચવા માટે વિનંતી કરું છું.
પાક્ષિકમાં સમાવિષ્ટ જ્ઞાનવર્ધક માહિતી પરીક્ષાલક્ષી તૈયારીઓ માટે ખુબ જ ઉપયોગી : વિજયભાઇ સોલંકી
બોટાદનાં વિજયભાઇ સોલંકી જણાવે છે કે, હું હાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છું, મારા જેવાં યુવાનો માટે ગુજરાત સામયિક માર્ગદર્શકની ભૂમિકા નિભાવે છે. આ પાક્ષિકમાં સમાવિષ્ટ જ્ઞાનવર્ધક માહિતી પરીક્ષાલક્ષી તૈયારીઓ માટે ખુબ જ ઉપયોગી નીવડે છે. હું દર 15 દિવસે અચૂક ગુજરાત સામયિક મેળવીને તેનું વાંચન કરું છું. જેનાથી હું સરકારશ્રીની સિદ્ધિઓ અને યોજનાઓથી વાકેફ રહું છું.
દીપોત્સવી અંકની અમને આતૂરતાપુર્વક રાહ હોય છે : નિતેષભાઈ મારૂ
બોટાદનાં અસ્થિવિષયક દિવ્યાંગતા ધરાવતાં નિતેષભાઈ મારૂ જણાવે છે કે, હું અંદાજે પાંચેક વર્ષથી માહિતી કચેરી, બોટાદ ખાતેથી ગુજરાત સામયિક મેળવી નિયમિત વાંચન કરવા ટેવાયેલો છું. સ્પર્ધાત્મક યુગમાં આ પુસ્તક દિવાદાંડી સમાન સાબિત થઈ રહ્યું છે. વૈવિધ્યસભર લેખોથી ભરપુર આ પાક્ષિક મારા પરિવારજનો પણ ખુબ જ પસંદ કરે છે. ખાસ કરીને દિવાળી પર પ્રકાશિત થતા દીપોત્સવી અંકની અમને આતૂરતાપુર્વક રાહ હોય છે. હું મારા મિત્રોને પણ ગુજરાત સામયિકનું વાંચન કરવા પ્રોત્સોહિત કરતો રહું છું.
ગુજરાત પાક્ષિક દ્વારા સાતત્યપૂર્ણ અને નિયમિત રીતે ગુજરાતની કલા, સંસ્કૃતિ, લોકજીવન, અસ્મિતા અને સાંપ્રત પ્રવાહની ઝાંખી વાંચકોને મળતી રહે છે. આ અંક દર મહિનાની પહેલી અને સોળમી તારીખે નિયમિત પ્રસિદ્ધ કરવામાં આવે છે. જેનું વાર્ષિક લવાજમ રૂ. 50 છે. રાજ્યની તમામ કોમ્પ્યુટરાઈઝ્ડ પોસ્ટઓફિસમાં, માહિતી નિયામકની કચેરી,ગાંધીનગર તેમજ જિલ્લાની માહિતી કચેરીઓમાં લવાજમ સ્વીકારવામાં આવે છે.