ગીર સોમનાથ માં તા. 12-13-14 ના રોજ અતિ ભારે વરસાદની આગાહી, લોકોને સાવચેત રહેવા જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ ની અપીલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાં મેઘમહેર થઈ રહી છે ત્યારે કેન્દ્રીય હવામાન ખાતા દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં તા. ૧૨, ૧૩ અને ૧૪ ભારેથી અતિ ભારે વરસાદ(ઓરેન્જ એલર્ટ)ની આગાહી કરવામા આવેલ છે. જે અન્વયે જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહીલની રાહબરી હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટની સમગ્ર ટીમ તમામ કાર્યવાહીનું મોનિટરિંગ કરી રહી છે.

કલેક્ટર શ્રી રાજદેવ સિંહ ગોહિલે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરતા સાયકલોન શેલ્ટર હોમની સ્થિતી, દરિયાકિનારાના વિસ્તારમાં આવતા તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ન ભરાય તે માટેની કામગીરી કરવા, આશ્રયસ્થાન, દરિયો તોફાની બને તેવા સમયે કોઈ અઘટિત બનાવ ન બને તે માટે માછીમારોને દરિયામાં ન પ્રવેશવા જેવી સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત વહીવટી તંત્ર તરફથી લોકોને નદી-નાળા તેમજ તળાવ-ડેમ પર કૂતુહલવશ લટાર ન મારવા અને સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ગીર સોમનાથ જિલ્લા અને શહેરમાં આગામી દિવસોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત આગામી દિવસોમાં ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છ ખાસ તો ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે જિલ્લામાં રેસ્ક્યૂ બોટ, લાઈફ જેકેટ, ટ્રી કટર સામગ્રી સહિતના સાધનો સાથે NDRFની ટીમ પણ આવી પહોંચી છે. જેથી આગામી દિવસોમાં જો કપરી પરિસ્થિતિનો સામનો કરવામાં આવે તો ટીમની સત્વરે મદદ લઈ મુશ્કેલી નિવારી શકાય.

Related posts

Leave a Comment