હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જીલ્લામાં રોડની સાઈડમાં ઊભા રહી ફળ, શાકભાજી કે ફૂલ પાકોનું તથા નાશવંત કૃષિ પેદાશોનું વેચાણ કરતા લારી ધારક ફેરિયાઓને/વેચાણકારોને નાણાકીય વર્ષ : ૨૦૨૨-૨૩ દરમિયાન બાગાયત ખાતા દ્વારા વિનામૂલ્યે છત્રી વિતરણ કરવામાં આવશે. આ યોજનામાં લાભાર્થી દીઠ (એટલે કે એક આધારકાર્ડ દીઠ એક છત્રી) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ લેવા માગતા ઇચ્છુક લાભાર્થીઓએ આઇ-ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in મારફતે તા.૧૬/૦૭/૨૦૨૨ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. આ અરજીની નકલ (સહીવાળી) તથા જરૂરી સાધનિક પુરાવા જેવા કે, આધારકાર્ડની ઝેરોક્ષ, રેશનકાર્ડની ઝેરોક્ષ તથા સંબંધીત ગ્રામસેવક/ તલાટી/ ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશનનાં અધિકૃત અધિકારીનો ફળ/ શાકભાજી/ ફૂલ પેદાશોનું છુટક વેચાણ કરતા હોવા અંગેનાં સહી તથા સિક્કાવાળા દાખલા સહિતની અરજી દિન-૭ માં નાયબ બાગાયત નિયામક, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર ખાતે અચૂક રૂબરૂ કે ટપાલ દ્વારા જમાં કરાવવા જણાવવામાં આવેલ છે. આ અંગે વધુ માહિતી માટે કચેરી ફોન નં.૦૨૭૮-૨૪૨૦૪૪૪ પર સંપર્ક કરી શકાશે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી