હિન્દ ન્યુઝ, ભાવનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે ગાંધીનગર ખાતે વિવિધ ડિજિટલ એપ અને સેવાઓનું લોકાર્પણ કરીને ‘ડિજિટલ ઇન્ડિયા વીક’ નો શુભારંભ કરાવીને ભારતને ડિજિટલ ઇકોનોમી તરફ અગ્રેસર થવાં દિશા આપી છે. તેવાં સમયે ભાવનગરમાં ચાલી રહેલાં વંદે ગુજરાત પ્રદર્શનમાં તળાજાના સખીમંડળના સભ્ય એવાં પુષ્પાબેન ગોહિલ માત્ર ડિજિટલ પેમેન્ટ લઇને વડાપ્રધાનનું ડિજિટલ ગુજરાતનું સ્વપ્ન વાસ્તવમાં સાકાર કરી રહ્યાં છે.
રાજ્ય સરકાર દ્વારા ૨૦ વર્ષમાં કરવામાં આવેલી કામગીરીને લઇને દરેક જિલ્લામાં વંદે ગુજરાત પ્રદર્શન અને સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ચણીયાચોળીનો સ્ટોલ ધરાવતાં પુષ્પાબેન પ્રદિપસિંહ ગોહિલ માત્ર ડિજિટલ પેમેન્ટ લઇને જ તેમની ચીજવસ્તુઓનું વેચાણ કરી રહ્યાં છે.
આ અંગે પુષ્પાબેને જણાવ્યું કે, તેઓએ ડિજિટલ સેવા માટે કોમન સર્વિસ સેન્ટર ચલાવવાની તાલીમ લીધેલી છે. માત્ર ૧૨ મું ધોરણ ભણેલાં પુષ્પાબેન આ તાલીમથી એવાં પ્રભાવિત થયાં કે હવે જ્યાં પણ તેમનો સ્ટોલ હોય તેવો રોકડમાં રકમ ન સ્વીકારતાં માત્ર ડિજિટલ પેમેન્ટથી જ પૈસા સ્વીકારે છે.
આ અંગેના લાભ અંગે તેઓ જણાવે છે કે, આનાથી છુટા પૈસા આપવાની ઝંઝટ રહેતી નથી. અને મારે બહારગામ સ્ટોલ હોય તો પૈસા સાચવવાની કે તે ચોરાઇ જવાની બીક રહેતી નથી.
વળી, આ વ્હાઇટ રકમ હોવાથી ભારતની ઇકોનોમીને પણ તેનાથી ફાયદો થશે. જો દરેક લોકો આ રીતે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે તો ઘણી બધી સુગમતા આવી જાય.
તેઓ કહે છે કે, વડાપ્રધાન નરેન્ર્નભાઇ મોદીના ડિજિટલ ઇન્ડિયાનો નિર્ણય ખૂબ જ સારો છે. તેમણે ડિજિટલ ઇન્ડિયાનું જે સ્વપ્ન સેવ્યું છે તે દરેક નાગરિકો જ્યારે ડિજિટલ પેમેન્ટ કરવાનો આગ્રહ રાખશે ત્યારે જ સાકાર થશે.
હું પોતે માત્ર મોબાઇલથી કનેક્ટ એક નાનકડા ડિવાઇસથી આ ડિજિટલ પેમેન્ટ સ્વીકારી શકતી હોવું તો દેશ સ્તરે તો મોટા પાયે તેનો ઉપયોગ થઇ શકે તેમ છે.
પુષ્પાબેને રાજ્ય સરકાર દ્વારા આ મેળામાં તેમને ચણીયાચોળીનો સ્ટોલની સગવડ આપી અને આગળ વધવાં માટે જે પ્રોત્સાહન આપ્યું છે તે માટે તેમણે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.
તેમણે વડાપ્રધાનના ડિજિટલ સ્વપ્નને સાકાર કરવાં માટે મારા જેવી અનેક બહેનો પહેલ કરવાં માટે તૈયાર છે. જરૂર છે તેને પ્રોત્સાહન આપવાની અને જરૂરી સગવડ પૂરી પાડવાની તેમ તેઓ ગર્વ સાથે કહે છે.
તેઓ ગર્વસભર જણાવે છે કે, મારા ગામમાં ૧૦ સભ્યો હોય તેવાં કુલ ૧૦ સખી મંડળો છે અને તેઓ રાજ્ય સરકારની સહાયથી નાની મોટી પ્રવૃત્તિઓ કરીને પગભર થયાં છે. આ માટે રાજ્ય સરકારનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી