હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ગ્રામિણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે રાજ્યવ્યાપી સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ઉપક્રમે બોટાદના કષ્ટભંજન હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે પણ આ મેળો યોજાયો હતો. જેમાં સ્વ સહાય જુથો, કારીગરો, ખેડૂતોએ ભાગ લીધો હતો.
સખીમેળો અને વંદે ગુજરાત પ્રદર્શનમાં ભાગ લેનાર જોપાળી મા સ્વસહાય જુથ, બરવાળા,બોટાદના તૃપ્તિબેન મહેતાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 10 વર્ષથી રેશમના હાથ બનાવટના જુલા બનાવીએ છીએ. બોટાદના સાળંગપુર ખાતે યોજાયેલા સખીમેળામાં અમને અનેક નવા ગ્રાહકો મળ્યા છે. અહીં આવતા મુલાકાતીઓને નવી નવી વસ્તુઓ વિશે જાણવા મળે છે. આવા આયોજનો થકી અમારા જેવા કલાકારોને પોતાની કૃતિ લોકો સમક્ષ મુકવાનો અવસર મળે છે. રાજ્ય સરકાર દ્વારા સખીમેળાનું ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ મેળાને કારણે અમારા જેવા હાથવણાંટની કલાકૃતિઓ બનાવતા કલાકારોની કલા જીવંત બની રહે છે. આગામી સમયમાં પણ જો આવા આયોજનો થતા રહે તો અમને પણ ફાયદો થાય અને જનતાને પણ તેનો લાભ મળી શકે છે.
મધુરમ મંગલમ સ્વ સહાય જુથ, ગીર સોમનાથના શ્રદ્ધાબેન રૂપારેલીયા કે જેઓ પોતાની ખુબ જ વિશિષ્ટ કલાકૃતિઓ સાથે સાળંગપુર ખાતેના સખીમેળામાં ભાગ લેવા આવ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે, અમે ખીલ્લી અને દોરાના ઉપયોગ વડે વિવિધ વોલપીસ તૈયાર કરીએ છીએ. વર્ષો પહેલા બહેનો વિવિધ ચાકળાંઓ બનાવતી હતી. તેમની પાસેથી અમને આ પ્રકારની આધુનિક કૃતિઓ બનાવવાનું પ્રોત્સાહન મળ્યું હતું અને અમે કંઈક નવી રચના કરવાની શરૂઆત કરી હતી. સરકાર દ્વારા મિશન મંગલમ યોજના થકી અમારા જુથને ખુબ જ પ્રોત્સાહન સાથે અનેક લાભો મળી રહ્યા છે. આ પ્રકારના આયોજન થકી મોટા શહેરોમાં અમારી કળાને લોકો સમક્ષ રજૂ કરવાના અવસર મળ્યા છે અને આર્થિક રીતે પણ અમારા જુથને લાભ થયો છે. બોટાદમાં લોકો તરફથી ખુબ સારો પ્રતિભાવ મળ્યો છે સાથોસાથ અમારી કૃતિઓને નવું બજાર મળ્યું છે.
જ્યોત સ્વસહાય જુથ, દાહોદના ઉપાસનાબેન પટેલ અને પ્રિયાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, અમે સખીમેળા અંતર્ગત દાહોદથી બોટાદ આવ્યા છીએ. અમારું જ્યોત સ્વસહાય જુથ ઘણા વર્ષોથી કાર્યરત છે. મોતી વર્ક માટે અમારા સ્વસહાય જુથમાં અંદાજે 100 બહેનો જોડાયેલી છે. જે ઘરે જ કામ કરી રોજગારી મેળવે છે. વાંસની વસ્તુઓના ઉત્પાદન માટે અમારા જુથમાં 150 લોકો કામ કરે છે. સરકાર દ્વારા આ પ્રકારના આયોજનોને કારણે અમે અલગ અલગ શહેરોમાં જઈને વસ્તુઓનું સારું વેચાણ કરી શકીએ છીએ. અમે ગ્રામ્ય વિસ્તારોમાં જઈને વાંસ તેમજ મોતીકામ જેવી કળા શીખવા માંગતા લોકોને તાલીમ પણ આપીએ છીએ. જેથી અન્ય લોકો પણ અમારી સાથે જોડાઈને રોજગારી મેળવે અને આ કળાનો વારસો જળવાઈ રહે. બોટાદ જિલ્લામાં સખીમેળાના આયોજન દરમિયાન અમે ખુબ સારું વેચાણ કરીને નફો મેળવ્યો છે. જે બદલ વહીવટી તંત્ર તરફથી અમને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું છે.
બોટાદના હંસાબેન કાંતિભાઈ ડોડિયાએ પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, બોટાદમાં અમારું રામા સખી મંડળ કાર્યરત છે. ઘરના કામ સાથે અમે સમય મળતા વિવિધ પર્સ, ખાદીના કુર્તા, જેકેટ, ખાદીની સાડી, શાલ જેવી વસ્તુઓ બનાવીએ છીએ. અમારી સાથે ઘણી બહેનો જોડાયેલી છે. તમામ લોકો સાથે મળીને કામગીરી કરીએ છીએ. સરકારના સખીમેળા અને વંદે ગુજરાત જેવા આયોજનો થકી અમે અમારી ચીજવસ્તુઓ લોકો સુધી પહોંચાડી શકીએ છીએ, તેનાથી અમને આર્થિક ફાયદો થાય છે. અમને સરકારના આયોજનો થકી માત્ર ગુજરાતમાં જ નહીં, અન્ય રાજ્યોમાં પણ અમારી વસ્તુઓનું વેચાણ કરવાનો અવસર મળે છે
બોટાદ ના ચેતનભાઈ લુમાણિયાએ જણાવ્યું હતું કે અમે 100 ટકા શુદ્ધ કાચીઘાણીનું સિંગતેલનું ઉત્પાદન કરીએ છીએ. સરકાર દ્વારા આવા આયોજનમાં ભાગ લઈને અમે અમારા ઉત્પાદનો લોકો સમક્ષ વેચાણઅર્થે મુકીએ છીએ. સખીમેળામાં લોકોને અમારી વસ્તુઓ વિશે માહિતી મળે છે.આવા આયોજન બદલ અમે સરકારનો આભાર માનીએ છીએ.
પ્રકાશ સ્વસહાય જુથ,બરવાળા, બોટાદના જયાબેન પરમારએ જણાવ્યું હતું કે, અમે ઘણા વર્ષોથી તોરણ,તોડલિયા, મુર્તિ સહિતની માટીમાંથી બનતી ઘર સજાવટની વસ્તુઓ બનાવીએ છીએ. સરકારના સખીમેળાના આયોજનથી અમને ખુબ ફાયદો થયો છે. અમારી વસ્તુઓના વેચાણમાં મોટો વધારો થયો છે. સરકાર દ્વારા આયોજિત તમામ મેળાઓમાં અમે ભાગ લઈએ છીએ. વહીવટી તંત્ર દ્વારા સાળંગપુર જેવા પ્રવાસન સ્થળે સખીમેળાનું આયોજન થવાથી અમને અહીં દર્શાનાર્થે આવતા લોકોનો સમુહ ગ્રાહક સ્વરૂપે મળ્યો. આવા આયોજન થકી અમારી આવકમાં વધારો થયો છે.જેથી અમે અમારું ગુજરાન સરખી રીતે ચલાવી શકીએ છીએ.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ