મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગરના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત યુવા પ્રતિભા સન્માન સમારોહમાં શિક્ષણ મંત્રીની પ્રેરક ઉપસ્થિતિ

હિન્દ ન્યુઝ, ભાવનગર

મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગરના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત યુવા પ્રતિભા સન્માન સમારોહમાં આજે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી વિષયરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં.

તેમણે અવસરે જણાવ્યું કે, એન.સી.સી., એન.એસ.એસ. અને નેવલમાં કાર્યરત કેડેટ્સમાં રાષ્ટ્રભક્તિ અને સમાજદાયિત્વનો એક અનોખો સુભગ સમન્વય થયેલો જોવાં મળે છે.

રાષ્ટ્ર હિતના સંસ્કારો તેમાં સમુચિત રીતે સમાહિત હોય છે ત્યારે આ કેડેટ્સને શૈક્ષણિક ક્ષેત્રે વિશેષ લાભ મળે તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે.

પ્રતિભાવંત યુવા ખેલાડીઓને સન્માનિત કરતાં તેમણે કહ્યું કે, શિક્ષણ સાથે શિક્ષણ સિવાયની ઈતર પ્રવૃત્તિઓમાં પણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીનું નામ ઝળકાવ્યું છે.

હું પણ આજ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું તેમ જણાવી તેમણે ભારત યુવા પ્રતિભાના જોડે વિશ્વમાં પોતાનો ડંકો વગાડી રહ્યું છે અને ભારતનું ભાવિ ખૂબ જ સમૃદ્ધ છે તેમ જણાવી તેમણે કહ્યું કે, એક દિવસ એવો ચોક્કસ આવશે કે જ્યારે વિદેશીઓ ભારતના વિઝા લેવા માટે લાઈન લગાવશે.

તેમણે કહ્યું કે, સમગ્ર રાજ્યમાં યુવા મહોત્સવ અને રમત ગમતની પ્રવૃત્તિઓ દ્વારા પ્રતિભાવંત ખેલાડીઓ બહાર આવે તે માટે વિવિધ ઇવેન્ટોનું પણ આયોજન કરવામાં આવશે.

ભાવનગર યુનિવર્સિટીને ખેલો ઇન્ડિયામાં રૂ. ૮ કરોડની ગ્રાન્ટ મળે તેમ છે. ત્યારે આ યુવા પ્રતિભાઓને સથવારે આ શક્ય બની રહ્યું છે માટે સૌને આ માટેના પ્રયત્નો માટે અભિનંદન પાઠવ્યાં હતાં.

પોતે પણ વિદ્યાર્થીકાળમાં એન.સી.સી. ના વિદ્યાર્થી રહી શકાય રહી ચૂક્યાં છે તેને યાદ કરતાં તેમણે કહ્યું કે, ખેલાડીઓમાં સ્પોર્ટ્સમેન સ્પિરીટ આપોઆપ હોય છે અને તેથી તે ઈમાનદાર પણ હોય છે.

વિવિધ સ્પર્ધાઓમાં યુનિવર્સિટીનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને તેમણે જ્ઞાન વિજ્ઞાનની અજાયબી એવી અમદાવાદ ખાતે આવેલ સાયન્સ સિટી જોવાં માટે પ્રતિભાવંત ખેલાડીઓને શિક્ષણ મંત્રીનું ઇજન પણ આપ્યું હતું.

યુવાવસ્થા આનંદ અને મોજ મજાની હોય છે ત્યારે તે સાથે શૈક્ષણિક અને શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાર્થીઓ આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે ત્યારે સૌ તેમની પ્રતિભા ઝળકાવે તેમ કહી આ ગોલ્ડન સમય છે તેમાં સદુપયોગ કરવા તેમણે અપીલ કરી હતી.

મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયાએ કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં સમગ્ર દેશના યુવાનોને પ્રેરણા અને માર્ગદર્શન મળી રહ્યું છે. જેના કારણે આજે ભારતના યુવાનો રાષ્ટ્રીય જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની પ્રતિભા ઝટકાવી રહ્યાં છે.

ભાવેણા કલાનગરી તરીકે જાણીતું છે જ ત્યારે સાહસિક અને શારીરિક સૌષ્ઠવની રમતોમાં પણ ભાવેણાના યુવાનો અગ્રેસર બને તે માટે કટિબદ્ધ થવા તેમને આહવાન કર્યું હતું.

એન.સી.સી.ના ગૃપ કમાન્ડર નિરવકુમાર રાયજાદાએ રાજ્યમાં એન.સી.સી.ના ૪૩ યુનિટ કાર્યરત છે. જેમાં ૪૯ હજાર વિદ્યાર્થીઓ કાર્યરત છે તેમ જણાવી એન.સી.સી.નું રાજ્યમાં ખૂબ સુંદર કાર્ય થઈ રહ્યું છે તેમ જણાવ્યું હતું.

એન.સી.સી. સામાજિક સેવા, સમાજ વિકાસ માટે પાયાના પથ્થર તરીકે કાર્ય કરે છે. જેમાં જવા માટે ખૂબ જ પ્રયત્ન કરો અને લશ્કરમાં જોડાઈને દેશની સેવા કરો તેમ જણાવતાં તેમને કહ્યું કે, તમે ધ્યાન કેન્દ્રિત કરો અને મહેનત કરો તો તમે ધારેલું ચોક્કસ પરિણામ મેળવી શકશો તેમ તેમને વધુમાં જણાવ્યું હતું.

જાણીતા લોકસાહિત્યકાર મેરામણભાઇ ગઢવીએ આ અવસરે નીતિમત્તા, ઈમાનદારી અને ભાવનગર રાજવીના પ્રજા વત્સલતાના સદ્રષ્ટાંત ઉદાહરણો સાથે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. શારીરિક શિક્ષણ વિભાગના નિયામક દિલીપસિંહજી ગોહિલે સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ અવસરે મહાનુભાવોના હસ્તે યુવા પ્રતિભા સન્માનથી વિદ્યાર્થીઓનું મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ એમ.એમ.પ્રજાપતિ, જાણીતા ક્રિકેટર શેલ્ડન જેક્સન, વિવિધ ફેકલ્ટીના ડીન, સ્વાધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment