વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડોદરા ખાતેથી રૂ.૨૨૦ કરોડના ખર્ચે નિર્મિત ગાંધીધામ રેલ્વે સ્ટેશન લોકોમોટીવ મેઈન્સટેશનનું ઈ-લોકાર્પણ કર્યું

હિન્દ ન્યુઝ, ભુજ

કચ્છના ખેડૂતોએ કચ્છની કેરીઓ વિદેશમાં પહોંચાડી છે. કચ્છની ખેતપેદાશો રેલવે દ્વારા ભારતના ખૂણે ખૂણે પહોંચે તે માટેનું આજે કામ કરાયું છે એમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે કચ્છમાં દેશનાં એક માત્ર રૂ.૨૨૦ કરોડના ખર્ચે નિર્મિત રેલવે એન્જિન જાળવણી કેન્દ્ર ગાંધીધામ રેલવે સ્ટેશનના લોકોમોટીવ મેઈન્સટેશનનું ઈ-લોકાર્પણ કરતા જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મનનીય પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના કામો કરાવી વિકાસના ગૌરવને વધુ ઊંચાઇએ લઇ જવાનો સામુહિક પ્રયત્ન કરીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત આજરોજ વડોદરા ખાતેથી રૂ.૨૧ હજાર કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાતમુહુર્ત અને ઈ-લોકાર્પણ કર્યા હતા. જે પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧ લાખ ૪૧ હજાર આવાસોના ખાતમુહુર્ત ઈ-લોકાર્પણ કરાયા હતા તેમજ “મુખ્યમંત્રી માતૃશકિત યોજના” અને “પોષણ સુધા યોજના” નો પ્રારંભ કરાવ્યો હતો. રેલવે વિભાગના રૂ.૧૬ હજાર કરોડના વિવિધ પ્રકલ્પોનું પણ ખાતમુહુર્ત ઈ-લોકાર્પણ કરાયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાના ભુજ ખાતે વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે, જનભાગીદારીથી વિકાસ કામોમાં જોડાઈ ગુજરાતનું ગૌરવ વધારીએ. ભુજ ટાઉનહોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સર્વાગી વિકાસના અભિયાનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો વિશ્વાસને સાર્થક કરવામાં આપણે સહયોગ કરીએ. આ તકે તેમણે છેવાડાના, વંચિતો, ગરીબોને ઉન્નત કરવાની વિવિધ યોજનાઓ અંગે ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, જે પોતે ગરીબી, સંઘર્ષ અને સમસ્યામાંથી આગળ આવી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી બન્યા છે તેવા નરેન્દ્રભાઇ તક મળે અનેક જાતની વિવિધ ગરીબલક્ષી અને વિકાસલક્ષી યોજનાઓ અમલી બનાવી સાચા અર્થમાં ગરીબોના બેલી બની રહયા છે. ગર્ભધારણથી લઇ બાળકના પોષણ અને ગરીબોના ઘર તેમજ સ્વાસ્થ્યની ચિંતા કરનાર સરકારે તમામ વર્ગો, ક્ષેત્રોનો વિચાર કર્યો છે. અધ્યક્ષએ આ તકે પ્રજાલક્ષી યોજનાઓથી માહિતગાર થઇ સ્વનો વિકાસ કરવા નાગરિકોને અને વિવિધ યોજનાના લાભો પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચાડવા અને વધુ લાભ અપાવવા કર્મયોગીઓને અનુરોધ કર્યો હતો. મહિલાઓ, યુવાઓ અને તમામ વર્ગોના વિકાસથી દેશને વિશ્વ નોંધનીય બનાવવા સૌ નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નમાં સહયોગ કરીએ એમ પણ અધ્યક્ષાએ જણાવ્યું હતું.

ગૃહ રાજયમંત્રી હર્ષભાઇ સંઘવીએ આ તકે જણાવ્યું હતું કે, ઝુંપડા કે કાચા ઘરમાં રહેનાર અને પોતાના ઘરનું સપનું જોનાર માટે તેમજ ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક છે કે આજે ૧ લાખ ૪૧ હજાર પરિવારોને ઘર મળશે. ભારતના દરેક નાગરિકને ઘરઆંગણે તમામ સુવિધાઓ પુરી પાડવાનો પ્રયાસ કરનાર વડાપ્રધાન આજે રૂ.૨૧ હજાર કરોડના વિવિધ લાભો રાજયવાસીઓને અર્પણ કરશે. રાજયની દરેક મહિલાઓ માટે મુખ્યમંત્રી માતૃશકિત યોજના અને બાળકો માટે પણ પોષણ સુધા યોજનાનો પ્રારંભ થઇ રહયો છે. મા-બાળક બંનેને તંદુરસ્ત રાખવાનો આ આવકારદાયક પ્રારંભ છે. કચ્છ જિલ્લામાં પણ ૫ હજાર જેટલા લોકો પ્રધાનમંત્રી આવાસ યોજનાથી પોતાનું ઘર મેળવશે. તેમજ રાજયની મહિલા અને બાળકો પોષણ મેળવી સ્વસ્થ બનશે. જરૂરતમંદો માટે આજનો દિવસ સોનાનો બની રહેશે. વિવિધ યોજનાઓના લાભ લઇ સૌ સર્વાંગી વિકાસ કરીએ ગુજરાત ગૌરવના ભાગીદાર બનીએ. જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ આ તકે જણાવ્યું હતું કે, વિવિધ યોજનાના જે લાભ લાભાર્થીઓને મળશે તેનાથી તેમના જીવનમાં નોંધનીય ખુશહાલ બદલાવ આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કારણે દુનિયામાં ગુજરાતનું નામ ગાજતું થયું છે. આપણે સૌએ ગુજરાતના આ ગૌરવને વધારવાનું છે. આ તકે પ્રમુખએ વિવિધ યોજનાઓ અંગે માહીતી પુરી પાડી હતી.

સ્વાગત પ્રવચનમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આસ્થાબેન સોલંકીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના વર્ષ ૨૦૨૨ સુધી ઘરવિહોણાને મકાન આપવાના સંકલ્પ હેઠળ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ ૫૨૮૮ મકાનો આપવામાં આવશે. જ્યારે આજરોજ ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આજ સુધી કચ્છ જિલ્લામાં ૩૦૪૬ પરિવારોને પાકા ઘર  અપાયા છે . આભારવિધિ તાલુકા વિકાસ અધિકારી શૈલેષભાઇ રાઠોડે કરી હતી. આ કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રતિકરૂપે ૧૦ લાભાર્થી ગૃહિણીઓને ઘરની ચાવી સોંપી હતી તેમજ બે સખીમંડળને રૂ.૨.૩૦ લાખના ચેક વિતરણ કર્યા હતા. આ કાર્યક્રમમાં માંડવી-મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ભુજ એપીએમસી ચેરમેન કેશુભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઇ ઠકકર, અગ્રણી અરજણભાઇ રબારી, મહેન્દ્રભાઇ ગઢવી તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના અગ્રણી, પદાધિકારીઓ તેમજ જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ, અબડાસા તાલુકા વિકાસઅધિકારી શૈલેષભાઇ ભટૃ, આંકડા અધિકારી બારોટ, તાલુકા વિકાસ અધિકારી વી.બી.ગોહિલ, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન ભાવિનભાઇ સેંધાણી તેમજ ગાંધીધામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, પૂર્વ રાજયમંત્રી અને અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહિર, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ ઈશીતાબેન ટીલવાણી તેમજ ગાંધીધામ રેલવે સ્ટેશન અધિકારી સર્વઓ, તેમજ સબંધિત અધિકારી, કર્મયોગીઓ, અગ્રણીઓ, નગરજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

Related posts

Leave a Comment