હિન્દ ન્યુઝ, બોટાદ
આજે ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વડોદરા ખાતેથી ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ મળી છે. આ કાર્યક્રમ અન્વયે બોટાદ-ગાંધીગ્રામ બ્રોડગેજ ટ્રેનને વડાપ્રધાનના હસ્તે લીલી ઝંડી મળી છે. અંદાજે રૂ. ૧૫૫૦ કરોડના ખર્ચે ૧૭૦ કિમી. લાંબા રૂટના ગેજરૂપાંતરણ પ્રોજેક્ટનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. બોટાદ રેલવે સ્ટેશન પર યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સાંસદ ભારતીબેન શિયાળ તેમજ ધારાસભ્ય સૌરભભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બોટાદથી ગાંધીગ્રામ સુધીની ટ્રેનનું ફ્લેગઓફ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ ભારતીબેન શિયાળે બોટાદના નાગરિકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આજે બોટાદના આંગણે રૂડો અવસર આવ્યો હોય તેવો માહોલ સર્જાયો છે. બોટાદથી અમદાવાદ સુધીની બ્રોડગેજ ટ્રેન શરૂ થતાં હવે સમગ્ર વિસ્તારના વિકાસના દ્વાર ખુલશે. આપણા વડાપ્રધાનએ સુવિધાઓની સાથોસાથ સલામતી પર પણ ભાર મુક્યો છે જેના પગલે રાજ્યના તમામ રેલવે સ્ટેશન નવીન, સ્વચ્છ તેમજ આધુનિક બન્યા છે. આજે બોટાદ ખાતે બ્રોડગેજ ટ્રેનનો પ્રારંભ થતા હવે અહીંથી લાંબા અંતરની ટ્રેન માં પણ વધારો થશે.
બોટાદના ધારાસભ્ય સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, બોટાદથી અમદાવાદ સુધી બ્રોડગેજ ટ્રેનની સુવિધા શરૂ થતાં હવે નાગરિકોનો સમય બચશે અને સુવિધાઓ વધશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશની ધુરા સંભાળી ત્યારથી તમામ ક્ષેત્રે આમૂલ પરિવર્તનો થયા છે. મોદીજીએ સાંસદો પાસેથી પણ તેમના મત વિસ્તારમાં વિકાસ કાર્યો સક્રિય રીતે થાય તે બાબત સુનિશ્ચિત કરી છે. મોદીજીની આગેવાનીમાં દેશભરમાં સુવિધાઓ વધી છે હવે ચારધામની યાત્રા પણ સરળ બની છે.
મંડળ રેલ પ્રબંધક મનોજ ગોયલે કાર્યક્રમની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, બોટાદ ખૂબ જ વ્યસ્ત સ્ટેશન છે, દર વર્ષે ૫૦ લાખ મુસાફરો ટ્રેનમાં યાત્રા કરે છે. જેથી આ બ્રોડગેજ ટ્રેન શરૂ થતાં હવે મુસાફરોની સુવિધામાં વધારો થશે. દરરોજ ૨ ટ્રેન સવાર-સાંજ બોટાદથી અમદાવાદ તેમજ અમદાવાદથી બોટાદ રવાના થશે. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, ભાજપ જિલ્લા અધ્યક્ષ ભીખુભાઇ વાઘેલા, જિલ્લાના અગ્રણી ચંદુભાઈ સાવલિયા, સુરેશભાઈ ગોધાણી, મધુસુદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી સહિત અનેક પદાધિકારીઓ, રેલવેના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ