આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભાવનગર ખાતે યોજાશે ૧૨૫ કલાકારો દ્વારા ભવ્ય કાર્યક્રમ “સાંસ્કૃતિક અમૃત યાત્રા”

હિન્દ ન્યુઝ, ભાવનગર

સમગ્ર દેશ જ્યારે આઝાદીની ૭૫ મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે, કોરોના ના બે- બે કઠીન વર્ષ લગભગ પુરા થઇ ચૂક્યાં છે ત્યારે ગુજરાત સરકારના રમત- ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ગુજરાતના પસંદ કરાયેલા ૭૫ શહેરો અને નગરો ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “આઝાદીની અમૃત યાત્રા” શિર્ષક હેઠળ જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિ સહિતના જાણીતાં ગીતો તથા આઝાદી સાથે જોડાયેલી અનેક ઘટનાઓને મલ્ટી મીડિયાના સહારે જીવંત કરી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમનું આવતીકાલ એટલે કે, તા. ૨૬ માર્ચે જવાહર મેદાન, ભાવનગર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આઝાદીના વિવિધ પ્રસંગોમાંથી ખાસ પ્રસંગોની પસંદગી કરી જાણીતાં નાટ્ય લેખક – દિગ્દર્શક નિસર્ગ ત્રિવેદીએ આઝાદીના પ્રસંગોને નાટ્ય સ્વરૂપ આપી લેખન અને દિગ્દર્શનની બેવડી જવાબદારી સંભાળી છે.

જ્યારે વિષય સાથે જોડાયેલા પસંદગીના ગીતો પર નૃત્ય નિર્દેશનની જવાબદારી જાણીતા નૃત્ય નિર્દેશક અંકુર પઠાણે સંભાળી છે. જેમાં જૂનાગઢના નુપુર કલાવૃન્દ, પોરબંદરના મેર રાસ મંડળ તથા પોરબંદરના સંસ્કૃતિ પરફોર્મીગ આર્ટ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ થશે.

કોરોનાકાળ પછી વધુમાં વધુ કલાકારોને આ કાર્યક્રમમાં સમાવી એક નોંધનીય રોજગારી ઉભી કરવાનો હકારાત્મક અભિગમ રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે.

આવતીકાલ એટલે કે, તા. ૨૬ માર્ચના રોજ ભાવનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો વિશ્ર્વા કુંચાલા, રઘુવીર કુંચાલા તથા નવરંગી જોડીયા પતંગિયા તરીકે પ્રખ્યાત સિંગીગ સીસ્ટર્સ મોસમ – મલકા પોતાના સ્વરો રેલાવશે.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જેમનું નામ છે તેવા ભાવનગરના જ વતની અને પાર્શ્વ ગાયક પાર્થિવ ગોહિલ પોતાની શૈલીમાં આઝાદીને લગતી કેટલીક વાતો સાથે સ્ટેજ શોભાવશે. ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર ડો. રણજીત વાંક સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે.

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તરફથી યોજાનાર આ મેગા કાર્યક્રમને ગુજરાત પ્રવાસન નિગમ, ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર, ભાવનગર મહાનગરપાલિકા, પોલીસ વિભાગ સહિત ભાવનગર જીલ્લાના પ્રભારી, સંસદસભ્યો, ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનોનો સહકાર મળ્યો છે.

આ કાર્યક્રમ પ્રેક્ષકો વિનામૂલ્યે જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તા. ૨૬ માર્ચ સાંજે ૬:૩૦ વાગ્યે યોજાનાર આ કાર્યક્રમમાં સૌ નગરજનોને ઉપસ્થિત રહેવાં રમત- ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment