હિન્દ ન્યુઝ, ભાવનગર
પાલીતાણા શહેરમાં આગામી તા.૧૫/૦૩/૨૦૨૨ તથા તા.૧૬/૦૩/૨૦૨૨ નાં રોજ જૈન સમાજનો ઢેબરીયો મેળો યોજાનાર છે અને તેમાં પાલીતાણા તળેટી, ગીરીરાજ ડુંગર વગેરે વિસ્તારમાં મોટી સંખ્યામાં જૈન શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતાં હોવાથી કેટલાંક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે ખાદ્ય ચીજોનું વેચાણ થાય છે. જેમાં પ્લાસ્ટીકની કોથળીઓ, પાણીના પાઉચ/બોટલો, તમાકુ, પાન-મસાલા, ગુટકા જેવી ઘણી ચીજવસ્તુઓનું વેચાણ તથા ઉપયોગ થાય છે. જેનાથી જાહેર આરોગ્ય ઉપર વિપરીત અસર થતી હોય, તેનુ નિયમન કરવું જરૂરી જણાતાં ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૩૩(૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂઇએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પાલીતાણા ખાતે યોજાનાર જૈન સમાજના ઢેબરીયો મેળા દરમ્યાન મેળાથી છ ગાઉના માર્ગોની આજુબાજુ પાલીતાણા તળેટી, પાલીતાણા શેત્રુંજય ગીરીરાજ તેમજ આદપુર ગામના વિસ્તારમાં તા.૧૫/૦૩/૨૦૨૨ થી તા.૧૬/૦૩/૨૦૨૨ દિન – ર સુધી કોઇએ કચરો નાખવો નહીં, પાણીનાં પાઉચ, દુધના પાઉચ, બોટલો, ખાદ્યચીજ વસ્તુઓ, પ્લાસ્ટીકની ખાલી કોથળીઓ નાખવી નહી તેમજ બીડી-સીગારેટ, પાન-મસાલા, ગુટકા, તમાકુનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.
જાહેરનામાંનો અમલ તથા તેનાં ભંગ બદલ પગલા લેવા ફોજદારી કામ માંડવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. સદરહું હુકમનું ઉલ્લંધન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૧૩૧ હેઠળ શિક્ષા થશે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી