હિન્દ ન્યુઝ,
તા.૮ માર્ચ-વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા આયોજિત નારી સન્માન સમારોહમાં ૨૧ મહિલા સન્નારીઓનું ધારાસભ્ય સંગીતાબેન પાટીલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબહેને નવયુવા મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે, મહિલાશક્તિ દરેક ક્ષેત્રે હરણફાળ ભરી રહી છે, ત્યારે નારીઓ તેમને મળેલા અધિકારો પ્રત્યે સજાગ બને તે જરૂરી છે. નારીમાં શક્તિનો અખૂટ ભંડાર રહેલો છે, ત્યારે મહિલાઓ આત્મનિર્ભર બનીને સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બને તેવો અનુરોધ તેમણે કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારે મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે બજેટમાં રૂ.૪૯૭૬ કરોડ ફાળવણી કરી છે. મહિલાઓ માટે રૂ.૪ હજાર કરોડના ખર્ચે ‘સુપોષિત માતા, સ્વસ્થ બાળ’ યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને એક હજાર દિવસ સુધી વિનામૂલ્યે એક કિલો તુવેરદાળ, બે કિલો ચણા, એક લિટર ખાદ્યતેલ આપવામાં આવશે. આ વર્ષનું બજેટ સર્વજનસ્પર્શી તથા જનહિતલક્ષી બજેટ હોવાનું તેમણે કહ્યું હતું.
ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, આ એક સન્માન સમારોહ નહીં, પણ સામાજિક ક્ષેત્રે પોતાનો કિંમતી સમય આપી સેવાકીય પ્રવૃત્તિ કરતી બહેનોને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ છે. માત્ર ૨૪ મહિલાઓના સન્માનથી અને ૧૮ પ્રેક્ષકોની હાજરીમાં વર્ષ ૧૯૯૪માં નારી સન્માન કાર્યક્રમની શરૂઆત કરી હતી. સામાજિક સેવાકીય મહિલાઓના સહયોગથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં આજદિન સુધીમાં ૨૫૦૦થી વધુ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે. આ અવસરે સ્ટાફનર્સ અને મિલ્ક ડોનેશન કરનારા શ્રીમતી નિધિ ગજ્જર, એક જ વર્ષમાં ૪૮૬ પ્રસુતિ કરાવનાર પરિચારિકા ટ્વિન્કલ કટારા, ટી.બી. વિભાગ વડા ડો. પારૂલ વડગામા, રેડિયોથેરાપી કેન્સર વિભાગના ડો. ડિમ્પલ ગધેસરિયા, ગાયનેક વિભાગના ડો. અંજની શ્રીવાસ્તવ, પિડીયાટ્રીક વિભાગના ડો. જિગીષાબેન, ૧૫ વર્ષથી વધુ સમય દરમિયાન ૮૦૦૦થી વધુ પોસ્ટમોર્ટમ કરનારા કેજ્યુલિટી વિભાગના ડો. નિશા ચંદ્રા, કેન્સર વિભાગના ડો. રોશની જરીવાલા, નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ લીલાબેન ગામીત, મિલ્કદાતા શશિકલાબેન તથા ઉર્મિલાબેન, માઈક્રોબાયોલોજી વિભાગના લેબ. ટેકનિશીયન નીતાબેન ચૌધરી, ડેટા ઓપરેટર કવિતાબેન, સફાઈ કામદાર હેમાબેન, એક્ષ-રે ટેકનિશીયન ભૂમિ પટેલ, યુ.આઈ.આઈ.ડી વિભાગના ડેટા ઓપરેટર શ્રેયા રાઠોડ, હેડનર્સ મીનાબેન પરમાર, વાસંતીબેન નાયર, તારિકાબેન ટંડેલ, સામાજિક વર્કર સિદ્ધેશ્વરી પટેલ તથા સરકારી નર્સિંગ કોલેજના આચાર્ય ડો. ઈન્દ્રાવતી રાવ સહિતની બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેડિકલ કોલેજના ડીન ડો.ઋતુંભરા મહેતા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર, આર.એમ.ઓ. ડો.લક્ષ્મણ ઘેલાણી, નર્સિંગ એસો.ના સભ્ય દિનેશ અગ્રવાલ, હેડનર્સ, સ્ટાફનર્સ સહિત લોકલ નર્સિંગ એસો. ટીમ ઉપસ્થિત રહ્યા હતા.