સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૧૩મી ફેબ્રુઆરીના રોજ યોજાશે બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા

પરીક્ષાને ધ્યાને લઈ પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં ઝેરોક્ષ સેન્‍ટરો ખુલ્‍લા રાખી શકાશે નહીં

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર

          સુરેન્‍દ્રનગર જિલ્લામાં આગામી તા.૧૩/૦૨/૨૦૨૨ના રોજ ગૌણસેવા પસંદગી મંડળ -ગાંધીનગર દ્વારા આયોજીત બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની સ્‍પર્ધાત્‍મક પરીક્ષા સુરેન્દ્રનગર જિલ્‍લા ખાતે પણ યોજાનાર છે. જેથી પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ સેન્‍ટરો બંધ રાખવા તેમજ પ્રતિબંધાત્‍મક હુકમો બહાર પાડવા જરૂરી જણાતા સુરેન્‍દ્રનગર જિલ્લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ એન. ડી. ઝાલાએ તેમને મળેલ અધિકારની રૂએ સુરેન્‍દ્રનગર જિલ્‍લાના સબંધિત પરીક્ષા કેન્‍દ્રોના વિસ્‍તારમાં પરીક્ષાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે, તે માટે પરીક્ષા સ્‍થળોની આસપાસના ઝેરોક્ષ સેન્‍ટર બંધ રાખવા અંગે જાહેરનામા દ્વારા મનાઈ ફરમાવી છે. વધુમાં જણાવ્‍યા પ્રમાણે આ દિવસ દરમ્‍યાન તા.૧૩/૦૨/૨૦૨૨ ના રોજ સુરેન્‍દ્રનગર જિલ્લાના તમામ પરીક્ષા કેન્‍દ્રો (સ્‍થળો)ની આજુબાજુમાં ૨૦૦ મીટરની હદમાં આવેલી તમામ ઝેરોક્ષ મશીનની દુકાનોના સંચાલકો દ્વારા પરીક્ષા સમય થતી ગેરરીતિ અટકાવવા માટે તમામ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા માટેનો પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ ઉપરાંત પરીક્ષા ખંડમાં સેલ્યુલર, મોબાઈલ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, કેલ્ક્યુલેટર જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા પર અને પરીક્ષાના દિવસે જિલ્લામાં આવેલ તમામ પરીક્ષા કેન્દ્રોની આજુ-બાજુમાં ૪ કે તેથી વધુ વ્યક્તિઓએ ઊભા રહેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો કોઈ ભંગ કરશે અથવા ભંગ કરવામાં મદદગારી કરશે તો ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment