નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે આજે પ્રથમ દિવસે ફ્રન્ટ લાઈન વર્કર્સ તરીકે બુસ્ટર ડોઝનો લીધો લાભ

હિન્દ ન્યુઝ, રાજપીપલા

          કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા કોવિડ-૧૯ વેક્સીનની રસી જ એક માત્ર અમોધ શસ્ત્ર છે, ત્યારે પ્રવર્તમાન પરીસ્થિતિને અનુલક્ષીને રાજ્યમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા ૬૦ વર્ષથી વધુની વય ધરાવતા અને અન્ય બિમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો રાજ્યવ્યાપી આજથી શુભારંભ કરાયો છે. નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે આજે પ્રથમ દિવસના પ્રારંભે જ ફ્રન્ટ લાઈન વર્કર્સ તરીકે પોતે જાતે બુસ્ટર ડોઝ લઇને કોવીડ વેક્સીનની રસી સમયસર લઈ લેવા લોકોને પ્રોત્સાહિત કર્યા હતાં. નર્મદા જિલ્લામાં રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર, કોવિડ-૧૯ હોસ્પિટલ સહિત જિલ્લામાં કુલ-૩૩ જેટલાં સેન્ટર ખાતે વેક્સીનેશન કેમ્પ યોજાયાં હતાં. આજે તા.૧૦ મી જાન્યુઆરી, ૨૦૨૨ ને સોમવારના રોજ બપોરે ૦૧:૩૦ સુધીમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા ૬૦ વર્ષથી વધુની વય ધરાવતા અને અન્ય બિમારી ધરાવતા વયસ્કો સહિત કુલ-૪૮૦ લોકોએ કોરોના વેક્સિન પ્રિકોશન ડોઝનો લાભ લીધો હતો. વેક્સીનનો પ્રિકોશન ડોઝ લીધા બાદ જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, કોવીડ વેક્સીનના બંન્ને ડોઝ લીધા હોય અને નવ મહિના પૂર્ણ થયા હોય તેવા હેલ્થ વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને સિનીયર સીટીઝન કે જે ૬૦+ કોમોર્બિડ લોકો હોય તેવા તમામ લાભાર્થીઓને બુસ્ટર ડોઝ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. અને તેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં આજથી બુસ્ટર ડોઝ વેક્સીનેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે.

જિલ્લા કલેક્ટર શાહે વધુમાં ઉમેર્યું હતું કે, ફ્રન્ટલાઇન વર્કર તરીકે મેં પણ આજે જ વેક્સીનેશનનો બુસ્ટર ડોઝ લીધો છે તેમજ જે પણ લોકો બુસ્ટર ડોઝ માટે લાયક છે તેવા તમામ લોકોને તાત્કાલિક બુસ્ટર ડોઝની વેક્સીન લઈ લેવાની સાથે નર્મદા જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષની વયના સ્કૂલના બાળકોને પણ વેક્સિનેશનની રસી આપવાની કામગીરી ચાલી રહ્યી છે, ત્યારે તમામ વાલીઓએ બાળકોને વેક્સીનની કામગીરી પૂર્ણ કરવામાં સહભાગી બનવા જણાવ્યું હતું. તમામ લોકોને અવશ્ય માસ્ક પહેરવાં, સેનીટાઈઝેશનનો ઉપયોગ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સાથે કોવિડની તમામ માર્ગદર્શિકાનું અચૂક પાલન કરવાની સાથે તમામ લોકોને કોવિડ-૧૯ ની વેક્સીન લઇને આપણે પોતે, પરિવાર અને દેશને પણ સુરક્ષિત રાખવાની શાહે જાહેર અપીલ કરી છે. રાજપીપલાના પન્નાલાલ પંડ્યા, સ્ટ્રીટ નવાપરા વિસ્તારના રહીશ અને ધારાશાસ્ત્રી તરીકે ફરજ બજાવતા શ્રીમતી અશ્વિનાબેન શુક્લાએ રસીનો આજે બુસ્ટર ડોઝ લીધા બાદ તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, કોવીડ વેક્સીનના આ અગાઉ મેં બંન્ને ડોઝ લીધા છે, મને કોઈ જ પ્રકારની મુશકેલી કે આડઅસર થઈ નથી. આજે પણ બુસ્ટર ડોઝ લઇને મે મારી જાતને સુરક્ષિત કરવા ઉપરાંત સરકાર દ્વારા નિયત કરાયેલા તમામ લાભાર્થીઓને વેક્સીન અવશ્ય લઈ લેવા તેમણે હિમાયત કરી હતી. તેવી જ રીતે, રાજપુત ફળિયાના રહીશ નવલસિંહ ગોહિલે પોતાના પ્રતિભાવમાં કહ્યું કે, સિનીયર સીટીઝનન સહિત તમામ લોકોએ ગભરાયા વિના કોરોનાની વેક્સીનની રસી અવશ્ય લઇ લેવી જોઇએ. જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ઉભા કરાયેલા સેન્ટરો પર પોતે રસી લઇને અન્યને પણ વેક્સીનેશનની રસી સમયસર લઇ લેવા ગોહિલે પ્રજાજનોને સંદેશ પાઠવ્યો છે.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા

Related posts

Leave a Comment