હિન્દ ન્યુઝ,
રાજય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે સુશાસન/ગુડ ગવર્નન્સ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત આજ રોજ બોટાદ સ્થિત નાનાજી દેશમુખ ઓડીટોરીયમ નગરપાલિકા હોલ ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ, સમાજ કલ્યાણ વિકસતિ જાતિ અને સમાજ સુરક્ષા ક્ચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણીએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કરતા જણાવ્યુ હતું કે, સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે અનેક વિધ કાર્યક્રમો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જુદી જુદી યોજનાઓની સહાય આપવામાં આવી રહી છે. શિક્ષણને લગતી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિ કલ્યાણની અમલમાં મુકેલ યોજનાઓ ડિઝિટલ ગુજરાત પોર્ટલ પરથી મેળવી શકાય છે તેવી જ રીતે સરસ્વતી સાધના યોજના, શિષ્યવૃત્તિ, સરકારી છાત્રાલયોમાં એડમીશન પ્રક્રિયા તેમજ વ્યકિતલક્ષી યોજનાઓ માટેની કામગીરી ઓનલાઈન કરવામાં આવી છે જેથી તેની પ્રક્રિયા ઝડપથી બની શકે અને ગુડ ગર્વનન્સ તરીકે કામગીરી કરવામાં આવી રહી છે તેમ વધુમાં ઉમેર્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ત્રણેય વિભાગો દ્વારા અમલીકૃત વિવિધ યોજનાઓના બોટાદ જિલ્લાના કુલ – ૫૬૧ લાભાર્થીઓને એક કરોડ અને તેર લાખ જેટલી સહાયના મંજૂરી આદેશ આપવામાં આવ્યા હતા. લાભ મેળવેલ તમામ લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજુ કરી સરકારનો તેમજ જિલ્લા વહિવટી તંત્રનો આભાર વ્યકત કર્યો હતો. આ કાર્યક્રમની શાબ્દિક સ્વાગત વિધિ બોટાદ અનુસૂચિત જાતિ કલ્યાણ અધિકારી ડી.એચ.ભટ્ટ દ્વારા તેમજ આભાર વિધિ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વી.એસ.શાહે કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી લલીતનારાયણસિંઘ સાંદુ, સમિતિના ચેરમેન સર્વ જેઠીબેન, ભગવતસિંહ, વિરમભાઈ, સુરેશભાઈ, દયાબેન, દક્ષાબેન તથા અધિકારી – કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.