હિન્દ ન્યુઝ,
રાજ્ય સરકારના સુશાસન સપ્તાહના અન્વયે સામજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને આદિજાતી વિભાગ દ્વારા આયોજીત પાંચમાં દિવસે અરવલ્લી મોડાસાના ભામાશા હોલ ખાતે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરની ઉપસ્થિતિમાં જીલ્લાના લાભાર્થીઓને રાજ્ય સરકારની યોજનાઓના લાભો તથા મંજૂરી પત્રકોનું વિતરણ કરીને લાભાન્વિત કરાયા. આ પ્રસંગે સાંસદ જુગલજી ઠાકોર પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું કે, માં ભોમની રક્ષા કાજે બોર્ડર પર દેશના જવાનો પોતાની છાતી પર ગોળી ખાવા માટે તૈયાર રહે છે. માં ભોમની રક્ષા કરવા માટે દેશનો દરેક સૈનિક શહીદી વહોરે છે. આપણા દેશના વીર જવાનોથી ભારત માતા અને આપણે સૌ સુરક્ષિત છીએ. જવાનો ઠંડી હોય કે ગરમી હોય કે બરફ પડે તોપણ આવી પરિસ્થિતિઓમાં તે પોતાની ફરજ બજાવવા માટે ખડેપગે રહેતા હોવાનું જણાવ્યું હતું તેમણે રાજ્યમાં સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત સામજિક ન્યાય ને અધિકારિતા અને આદિજાતિ વિભાગની વાત કરતા કહ્યુ હતુ કે, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૪થી દિલ્લીની સત્તા સંભાળી ત્યારથી તેમણે એક સંકલ્પ કર્યો હતો કે, સુશાસનમાં પારદર્શકતા હોવી જોઈએ. આજે તેમની અધ્યક્ષતામાં તથા તેમના કદમથી કદમ મિલાવીને ચાલી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજયનું નેતૃત્વ કરી રહ્યા છે. ત્યારે તેમણે પણ રાજ્યને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે ખુબ જ સારા કાર્યો કરી રહ્યા છે. અરવલ્લી જીલ્લાનાં દરેક અધિકારી કર્મચારીઓ પ્રજાના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કટીબદ્ધ છે. તેઓ સારી કામગીરી કરીને જિલ્લાની પ્રગતિમાં વધારો કરી રહ્યા છે. રાજ્ય સરકારે દરેક સ્થળનું પરિભ્રમણ કરીને પ્રજાની સુખાકારીમાં વધારો થાય તે દિશા તરફ આગળ વધી રહી છે. તેમણે વધુ વાત કરતા જણાવ્યું કે, મુખ્યમંત્રીના પેપરલેસ કામગીરી કરવા માટેના નિર્ણયને બિરદાવું છું. રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગોને વિવિધ પ્રકારના સાધનોની સહાયો પૂરી પાડી છે. વૈશ્વિક મહામારીને ધ્યાને લઇને જેને પણ કોરોનાની રસી લીધી નથી તેમણે રસીકરણ કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણે જણાવ્યું કે, સુશાસન દિવસને ઉજવવાનું કાર્ય સરકાર વર્ષોથી કરતી આવી છે. પ્રજાના સુખ દુઃખમાં ઉભી રહેનારી આ સરકાર છે. આઝાદીમાં જલિયાંવાલા બાગમાં જે કાંડ થયો હતો તેવો કાંડ પણ જિલ્લામાં થયેલો છે જેમાં આપણે એક હજાર જેટલા આદિવાસી બંધુઓ ગુમાવ્યા છે. તેમનો ફાળો પણ આઝાદીમાં મહત્વનો છે. સરકારે વૃદ્ધો માટે પેન્શન સહાય આપે છે. સરકારે પ્રજાની કાળજી લીધી છે. આ ઉપરાંત કૃષિ લક્ષી અનેક હિતકારી નિર્ણય કર્યા છે. જીલ્લા અગ્રણી રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, આજે જીલ્લાના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓના લાભ લોકો સુધી પહોંચ્યા છે.એ એક પારદર્શક સરકાર હોવાથી શક્ય બન્યું છે. સરકારે જનધન ખાતા દ્વારા દેશના ગરીબ વર્ગના લોકોને જીરો બેલેન્સમાં ખાતા ખોલી આપીને સરકારના લાભો સીધા જ એમના ખાતામાં જમા કર્યા છે. સરકારે દિવ્યાંગો, મહિલાઓ, ખેડૂતો તમામને સહાયો આપી છે. આ કાર્યક્રમમાં સાંસદના વરદ્દ હસ્તે ડીઝલ મશીન લોડીંગ સાયકલ અને સલામતીના સાધનોની રૂ.૫૦૦૦ હજારની સહાયની કિટો, ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાના રૂ.૪૨૦૦૦ સહાયના, ડૉ.આંબેડકર આવાસ યોજના રૂ.૨૦૦૦૦ની સહાયના, પશુપાલન યોજના, મકાન સહાય યોજના, કુંવરબાઈ મામેરા સહાય યોજનાના મંજૂરી પત્રકો તથા ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રીપેરીંગની કીટ તેમજ બસ પાસ યોજનાના ઓળખ કાર્ડ, દિવ્યાંગતાના સર્ટી, અંત્યોદય યોજનામાં રેશનકાર્ડ અને વૃદ્ધ સહાય યોજના હેઠળ લાભો આપીને લાભાન્વિત કરાયા. આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી શ્વેતા તેવટિયા, મોડાસા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જલ્પાબેન ભાવસાર, પ્રાયોજના વહીવટદાર એસ.પી.મુનિયા, અગ્રણી ભીખાજી, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીઓ, તેમજ જીલ્લાના અન્ય અધિકારી/કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.